Class 12 results: ચાની કીટલી ચલાવતા પિતાનો પુત્ર રાજ્યમાં પ્રથમ ક્રમે, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ઉચ્ચ સિદ્ધિ મેળવી

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં રાજકોટ શહેર અને જિલ્લાનું પરિણામ 93.66% જાહેર થયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ રાજકોટ શહેર તેમજ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 1.14% જેટલું વધુ હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરની મોદી સ્કૂલના વિદ્યાર્થી રાજ પરમારને 99.99 PR આવ્યા છે, જેના પિતા ચાની લારી ચલાવે છે. અભ્યાસની સાથે ચાની લારીએ પિતાને મદદ કરતા પુત્રએ ઉજ્જવળ પરિણામ હાંસલ કરતાં પરિવારમાં હર્ષનો માહોલ છે અને હવે આ દીકરો CA બનવા માગે છે.

રાજ પરમારે જણાવ્યુ હતું કે મારે એકાઉન્ટ, અર્થશાસ્ત્ર તેમજ SP & CC જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. મારા પિતા નારણભાઈ છેલ્લાં 7 વર્ષથી ચાની લારી ચલાવે છે. હું રોજ સ્કૂલ દ્વારા આપવામાં આવતું ડે ટુ ડે વર્ક કરતો હતો તેમજ સ્કૂલ દ્વારા યુનિટ ટેસ્ટ, વીકલી ટેસ્ટ તેમજ ડિઝાઇનર ટેસ્ટ લેવામાં આવતી હતી. એ તમામ ટેસ્ટમાં પણ હું સારો દેખાવ કરતો હતો.

રાજકોટની ધાર્મી કથીરિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવીને પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે. કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી પણ દીકરીએ હાર ન માની અને પિતાનાં સપનાંને પૂરાં કરવા માટે બોર્ડમાં 99.99 PR મેળવ્યા.

ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદની દિવ્યાંગ દીકરી ઉર્વી રાઠીએ 90 ટકા મેળવ્યા છે. આ દીકરીએ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે સામાન્ય વિદ્યાર્થીની જેમ જ ભણીને પરિણામ મેળવ્યું છે. દીકરી હવે BBA અને MBA કરવા માગે છે. દીકરીએ કહ્યું હતું કે મારી બ્લાઇડનેસ વીક્નેસ નથી.

દિવ્યાંગ વિદ્યાર્થિની ઉર્વી રાઠીએ જણાવ્યું હતું કે ધો-12 કોમર્સમાં 90 ટકા મેળવ્યા છે. જન્મી ત્યારથી બ્લાઇન્ડ હતી. શરૂઆતમાં મારું વિઝન ઓછું હતું અને ધીમે ધીમે સાવ બંધ થઈ ગયું. મને ખબર હતી કે આગળ જતાં મને તકલીફ પડશે, પરંતુ મારે અભ્યાસ કરવો હતો, તેથી હું કોઈ હેલ્પર કે રીડર સાથે રાખીને હંમેશાં અભ્યાસ કરતી હતી. હું ધો. 12માં આવી ત્યારે મારી મિત્ર કૈલાસ, મારો ભાઈ પ્રીત, ખુશી અને વંશે મને ખૂબ જ મદદ કરી છે. હું જ્યારે કહું ત્યારે તેઓ મને વાંચી આપતા હતા.

વડોદરાની દિવ્યાંગ વિદ્યાર્થિની યેશા મકવાણાએ અદ્ભુત સફળતા હાંસલ કરી છે. બંને આંખે દૃષ્ટિ ન હોવા છતાં યેશાએ બીઆરજી ગ્રુપની ઉર્મી સ્કૂલમાં ધોરણ-12 (ઇંગ્લિશ માધ્યમ, આર્ટ્સ)માં 96.23 પી.આર મેળવ્યા છે. જન્મથી દિવ્યાંગ યેશાએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી છે. તેણે બ્રેઇલ લિપિની મદદથી પરીક્ષાના જવાબો કોમ્પ્યુટર દ્વારા લખ્યા હતા. દીકરી હવે ગ્રેજ્યુએશન કરી યુ.પી.એસ.સી પરીક્ષા પાસ કરી ઓફિસર બનવા માગે છે.

આ અંગે યેશા મકવાણાએ જણાવ્યું હતું કે આ પરીક્ષામાં મેં સામાન્ય વિદ્યાર્થી તરીકે આપી હતી, પરંતુ મારા માટે એક ચેલેન્જ હતી કે મેં ગુજરાતી મીડિયમમાંથી સીધું ધોરણ 11માં અંગ્રેજી માધ્યમમાં એડમિશન લીધું હતું. એક વર્ષ થતાં મને આ બાબતની આદત પડી ગઈ હતી. આગળ UPSCની પરીક્ષા આપવાનો ગોલ છે.

આ પણ વાંચો, Bharuch: વાલિયામાં ટેન્કર પલટી ખાતાં ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, લોકોએ બોટલ-કેરબામાં તેલ ભરી લૂંટ ચલાવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *