BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ IPL ટીમને ખરીદવાની બતાવી હતી તૈયારી, વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

BZ કૌભાંડના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા IPL ટીમ ગુજરાત ટાઇટન્સ ખરીદવાનો હોવાનો ખુલાસો થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા IPL ટીમ ખરીદવાનો હતો. સાત દિવસના રિમાન્ડ પુરા થતા ઝાલાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.કોર્ટે 7 જાન્યુઆરી બપોરના 3 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
BZ કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. CID ક્રાઇમે વધુ છ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઇમની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નવેમ્બર મહિનામાં IPLની ટીમ ગુજરાત ટાઇટન્સને ખરીદવાની તૈયારી બતાવી હતી. જોકે, રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીના હાથે કોઇ નક્કર હકીકત સામે આવી નથી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર
મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે.CID ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6 દિવસના રિમાન્ડની માંગણી 10 કારણો સાથે કરવામાં આવી હતી. BZ વેબસાઇટ પર 11 હજારથી વધુ લોકો નોંધાયા હતા. વ્યાજની રકમ રોકડમાં આપવામાં આવી હતી. રોકાણકારો લાવવા માટે પાંચ લેવલ સુધી એજન્ટ રાખવામાં આવ્યા હતા. 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા જ પોતે સહી કરતા હોવાનું સામે આવ્યું છે.
એક ટકાથી લઇ 5 ટકા સુધીનું કમિશન BZના એજન્ટોને મળતું હતું. 12518 સ્ટેમ્પની ખરીદી BZ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. ટોટલ સ્ટેમ્પ ખરીદીની સામે હજુ પણ 1286 સ્ટેમ્પની એન્ટ્રી મળતી નથી. 230 રોકાણકારોએ 25 લાખથી 4 કરોડનું રોકાણ કર્યું હતું. 40 એજન્ટને 40 સ્માર્ટફોન અને સ્માર્ટવોચ આપવામાં આવી હતી. હિસાબ ના મળ્યા હોય એ નાણાં ક્યા રોકાણ કરાયું તેનો હિસાબ પણ બાકી છે.
શુભમન ગિલ સહિતના ક્રિકેટરોએ BZ ગ્રુપમાં કર્યું હતું રોકાણ
BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઇન્વેસ્ટર્સને બેન્ક કરતા વધુ ઇન્ટરેસ્ટ રેટ આપવાનો દાવો કર્યો હતો અને કરોડો રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇન્ટન્સના ખેલાડીઓએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZની પોન્ઝી સ્કીમમાં પૈસા રોક્યા હતા. હવે આ કૌભાંડને લઇને CID ક્રિકેટરોની પૂછપરછ કરી શકે છે. રિપોર્ટ અનુસાર શુભમન ગિલે 1.95 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે જ્યારે બાકી ખેલાડીઓએ નાની નાની રકમ લગાવી છે. ગિલ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને CID તેના પરત ફરતા જ સવાલ કરી શકે છે.
BZ ગ્રુપમાં આ ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ સિવાય રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઇ સુદર્શને પણ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. CID ક્રાઇમે ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીઓને સમન્સ મોકલ્યું છે.