નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ:40 લોકોનાં મોતના અહેવાલ, 100 ઘાયલ

ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડના ક્રેન્સ-મોન્ટાના શહેરના આલ્પાઇન સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. ધ મિરરે સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો છે કે 40 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે થયો હતો. ધડાકો કોન્સ્ટેલેશન બારમાં થયો હતો, જ્યાં ન્યૂ યરની ઉજવણી ચાલી રહી હતી. મૃતકો અને ઘાયલ થયેલા લોકો કયા દેશના છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ અને ઇમર્જન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલો દાઝી ગયેલા દર્દીઓથી ભરાઈ ગઈ છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
વિસ્ફોટનું કારણ હાલમાં તપાસ હેઠળ છે. ક્રેન્સ-મોન્ટાના શહેરને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાવચેતીના ભાગરૂપે વિસ્ફોટવાળી જગ્યા અને એની આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
ક્રાન્સ-મોન્ટાના સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વતક્ષેત્રમાં સ્થિત એક લક્ઝરી સ્કી રિસોર્ટ છે. આ જગ્યા સ્વિસ રાજધાની બર્નથી લગભગ બે કલાકના અંતરે છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ખાસ કરીને શિયાળા અને નવા વર્ષના સમયે.