આણંદની ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, હર્ષદ પરમાર 30500 મતોથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પ્રભુત્વ સાબિત કર્યું છે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારે ભવ્ય જીત મેળવીને માત્ર પક્ષની પરંપરા જ જાળવી નથી, પણ પોતાના પિતાની જીતનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગોવિંદભાઈ પરમારે 66.44 ટકા મતદાન વચ્ચે 26,717 મતોથી વિજય મેળવ્યો હતો. જોકે માર્ચ 2026માં તેમના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી થઈ હતી, જેના પગલે એપ્રિલ 2026માં પેટા ચૂંટણી યોજાઈ.
આ પેટા ચૂંટણીમાં 59.4 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપે સહાનુભૂતિની લહેર સાથે ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. મતદાતાઓએ પણ વિશ્વાસ દાખવી હર્ષદ પરમારને 30,500 મતોથી વિજય અપાવ્યો.
હર્ષદ પરમારની આ જીતને માત્ર રાજકીય સફળતા જ નહીં, પરંતુ એક ભાવનાત્મક ક્ષણ તરીકે પણ જોવામાં આવી રહી છે. જીત બાદ હર્ષદ પરમારે આ વિજય પોતાના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો હતો. આ પરિણામે ઉમરેઠમાં ભાજપનો ભગવો યથાવત રહ્યો છે અને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આણંદના ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થવા પામી છે. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે EVM પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાર માટે ઈવીએમ જવાબદાર છે. આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તેમજ ઈવીએમમાં 99 ટકા બેટરી ચાર્જીંગ જોવા મળ્યું હતું.