અમરેલી લેટરકાંડમાં ભાજપના મોટા નેતાનો હાથ! દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ છેલ્લા કેટલાક દિવસથી ગરમાયું છે. હવે ભાજપના જ પૂર્વ સાંસદ અને અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ લેટરકાંડને લઇને મોટો આરોપ લગાવ્યો છે. લેટરકાંડમાં દિલીપ સંઘાણીનું નામ આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. અમરેલી લેટરકાંડમાં દિલીપ સંઘાણીએ ઉચ્ચ તપાસ સમિતિ રચવાની માંગ કરી છે.
દિલીપ સંઘાણીએ અમરેલી લેટરકાંડમાં પોતાનું નામ આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ ઘટનાની તપાસ હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં કરાવવાની માંગ કરી છે. દિલીપ સંઘાણીએ પત્રમાં લખ્યુ, ‘અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાશીયા, એક મહિલા સહિત કૂલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઇ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારૂ તથા અન્ય ભાજપના આગેવાનનું નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી. આ અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઇ ઉચ્ચ અધિકારી અથવા તો કોઇ રાજકીય પદાધિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઇ શકે તેમ મારૂ માનવું છે. વધુમાં કોઇ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય જ ન કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઇ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદ અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.’
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી. આ ઘટનાની તપાસ નિર્લિપ્ત રાયને સોપવામાં આવી છે.