Bhavnagar: નિષ્ઠુર માતાએ નવજાત બાળકને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દીધું

ભાવનગરમાં નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા રુવાંટાં ઊભાં કરી દેતું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. જન્મતા વેંત જ નિષ્ઠુર માતા નવજાત બાળકને કાંટામાં ફેકીને ફરાર થઇ ગઇ છે. શહેરના ટોપ-3 સિનેમા પાસે આવેલી વસંત વિહાર સોસાયટી નજીકની ઝાડીઓમાંથી નવજાત શિશુ મળી આવતા પોલીસે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું છે.
ભાવનગર શહેરના તળાજા રોડ પર ટોપ-3 સિનેમા નજીક રોડ પર અવાવરૂ સ્થળે બાવળની કાંટળી ઝાડીઓમાં કોઈ દયાહીન જનેતા નવજાત બાળાને તરછોડી ફરાર થઈ ગઈ હતી. વહેલી સવારે બાળાનો રડવાનો અવાજ આવતાં રાહદારીઓએ ભરતનગર પોલીસ તથા 108ને જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને બાવળની કાંટમાં લટકતું નવજાત શિશુને સહી સલામત બહાર કાઢ્યું હતું. 108ના સ્ટાફે નવજાત બાળકીનો કબજો લઈ તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડી છે. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને ફૂલ સમાન નવજાત બાળકીને ત્યજી દેનારી નિષ્ઠુર જનેતા પર રોષ વરસાવ્યો હતો. આ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો, Project Lion: 3 માર્ચ, વિશ્વ વન્યજીવ દિવસ