Bharuch: ભરૂચમાં સતત 4 દિવસ માનવ અંગો મળવાની ઘટના, કોલેજ ફ્રેન્ડ જ હત્યારો નીકળ્યો

ભરૂચમાં સતત ચાર દિવસ સુધી યુવાનના શરીરના ટુકડા મળી આવવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. હવે આ મર્ડર મિસ્ટ્રી ઉપરથી પરદો ઉંચકાયો છે. કોલેજ ફ્રેન્ડ જ હત્યારો નીકળ્યો છે. મિત્રની ઠંડા કલેજે હત્યા કરી કરવતથી ટૂકડા કર્યાં હતા. જે બાદ અલગ અલગ સ્થળે ટૂકડા ફેંકી દીધા હતા.

તારીખ 29 માર્ચ શનિવાર. ભરૂચ શહેરમાં દુધધારા ડેરી નજીક ABC કંપની જવાના રસ્તાની બાજુમાં ગટરમાંથી શ્વાન કોઇ અજાણ્યા પુરૂષનું માથુ ખેંચી લાવ્યું હતું. જેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન બીજા દિવસે રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળ્યો હતો. એ બાદ સોમવારના રોજ ડાબો હાથ મળ્યો તેમજ મંગળવારે જીએનએફસી તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી ગટરની અંદરથી કપડાંની થેલીમાં કાળા કલરના પ્લાસ્ટિકમાં લપટાયેલો ધડનો ભાગ મળ્યો હતો.

મૃતક સચીન ચૌહાણ

બીજી તરફ ભરૂચ શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલી વેદાંત સોસાયટીમાં રહેતો સચીન પ્રવિણસિંગ ચૌહાણ ગુમ થયો હોય તેના નાના ભાઈ મોહિત ચૌહાણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સી ડિવીઝનમાં મળેલા મૃતદેહના હાથના ટેટુ તથા દાંતની સારવારના નિશાનોના આધારે આ અંગો સચીન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. માનવ અવયવો કોઇ તીક્ષ્ણ હથિયારથી કપાયેલા હોય જેથી મરણજનારના ભાઇએ પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં સચિનના મિત્ર એવા શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો ઉપર શંકા વ્યક્ત કરી હતી. જેથી તેઓ વિરૂદ્ધમાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરાઈ હતી.

આ અંગે ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઉંડાણપુર્વક તપાસ હાથ ધરતા ટેક્નિકલ સર્વેલન્સ આધારે શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં જાણવા મળી હતી. જેથી LCB PSI આર.કે. ટોરાણીની ટીમને તાત્કાલિક દીલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તરપ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખી હતી. શકમંદને UPના બીઝનૌર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી શૈલેન્દ્રને ભરૂચ લાવી વધુ પુછપરછ હાથ ધરતા આટલી હદે ઘાતકી હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટા મૃતક સચીને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી.

હત્યારા શૈલેન્દ્રએ સચીનને 24 માર્ચે તેના તુલસીધામ ખાતેના ઘરે જમવા બોલાવ્યો હતો. બન્ને રાતે સુઈ ગયા બાદ સચીનનો મોબાઈલ મેળવી આરોપીએ તેમાં રહેલા પોતાની પત્નીના ફોટા ડિલેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સચીન જાગી જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચીનને ગળે છરી મારી હત્યા કરી નાખી હતી. બાદમાં તે નોકરી પર ગયા બાદ બહારથી ખરીદી લાવેલી આરીથી સચીનની લાશના અલગ-અલગ 9 ટુકડા કર્યા હતા. પોતે પકડાઈ ન જાય તેમજ પોલીસને ગુમરાહ કરવા આરોપીએ હવે તેનો ખેલ શરૂ કર્યો હતો. સચીનનું માથું, ધડ, પેટ, બે હાથ અને બે પગના કરેલા 9 ટુકડા તેને પ્લાસ્ટિકની ગારબેજ બેગમાં ભરી નિકાલ કરવાનું શરૂ કર્યું હતું.

શૈલેન્દ્ર સ્ત્રીનો વેશ ધારણ કરી એટલે કે ગાઉન પહેરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો હતો. ભરૂચ GIDCમાં આવેલી અલગ અલગ કાંસના ત્રણ જેટલા લોકેશન ઉપર એક બાદ એક માનવ અંગોનો નિકાલ કર્યો હતો. બીજી તરફ હત્યારાએ સચીનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો. જેના થકી તે વતનમાં રહેલી સચીનની પત્ની અને ભાઈને વોટ્સએપ મેસેજ કરતો હતો. જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે, તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેને તેની પત્ની ગમતી નથી. તે છુટાછેડા આપી બીજા લગ્ન કરવા માંગે છે તેમ કરીને પરિવારને પણ ગેરમાર્ગે દોરતો હતો.

આ તરફ મૃતક સચીનના ભાઈને ખબર પડતાં તે ભરૂચ દોડી આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પણ હત્યારો મિત્ર સાથે સચીનના ગુમ થયાની ફરિયાદ આપવા આવ્યો હતો. જોકે પોલીસે તેને પૂછતાછ માટે બોલાવતા અને ગટરમાંથી સચીનનું માથું મળતા જ હત્યારા શૈલેન્દ્રએ તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થયો હતો. ટ્રેનમાં તે ઉત્તરપ્રદેશ જવા નીકળી ગયો હતો. સાથે જ સચીનનું પોતાની પાસે રાખેલું ATM કાર્ડ પણ પોલીસને ગુમરાહ કરવા ટ્રેનમાં છોડી દીધું હતું.

સચીન શૈલેન્દ્રનો કોલેજ કાળથી મીત્ર હતો. બન્ને ભરૂચ ખાતે 10 વર્ષથી રહેતા હતા. દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા. બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા. જેમાં મરણજનાર સચીનના નામે આરોપીએ પોતે રૂપિયા 4 લાખની લોન લીધી હતી. જેના હપ્તા બાબતે બંને વચ્ચે તકરાર થતી રહેતી. મૃતકના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા હતા. જે ડીલીટ કરવા બાબતે પણ બંને વચ્ચે તકરાર થતી રહેતી. 24 માર્ચે મરણ જનાર સચીન આરોપીના ઘરે આવ્યો. બંને વચ્ચે રાત્રે તકરાર થઈ. બંને સુઇ ગયા બાદ બીજે દિવસે 25 માર્ચે સવારે બંને વચ્ચે મોટો ઝઘડો થયો.રસોડામા રહેલા ચપ્પુથી આરોપી શૈલેન્દ્રએ એક પછી એક ઘા સચીનને મારી તેનુ ખૂન કરી નાખ્યું હતું.

સચીનના પરીવાર તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે સચીનના ATM માંથી રૂપિયા પણ ઉપાડ્યા હતા. સચીનનો ફોન ચાલુ કરી મેસેજ વડે સચીનની પત્ની તથા તેના પરીવારના સભ્યો સાથે મેસેજથી વાત કરતો રહેતો. જેથી તેના પરીવારના સભ્યોને એવુ લાગે કે સચીન જીવિત છે અને કોઇ કારણસર ઘરેથી ચાલ્યો ગયો. સચીનના સગા સબંધીઓ સચીનની શોધખોળ માટે ભરૂચ આવ્યા ત્યારે શૈલેન્દ્ર પણ તેની સાથે તપાસમાં જોડાઇ ગયો હતો. સચીન ગુમ થયાની જાહેરાત આપવા માટે તે લોકો સાથે પોલીસ સ્ટેશન પણ ગયો હતો.

આ પણ વાંચો, Donald Trump: આખરે અમેરિકાએ ભારત પર લગાવ્યો આટલા ટકા પારસ્પરિક ટેરિફ, ટ્રમ્પના નિર્ણયની શું થશે અસર?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *