એકતાનગરમાં એકતા પરેડ શરૂ:નરેન્દ્ર મોદી હાજર, દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન

સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ નો પ્રારંભ….હાલ વિવિધ સુરક્ષા દળો અને ટુકડીઓ પોલીસ દળો અને અન્ય વિશિષ્ટ ટુકડીઓ આ પરેડને ઐતિહાસિક બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ….
પરેડમાં CRPF, BSF, CISF, ITBP અને SSB ઉપરાંત આસામ રાઇફલ્સ, NSG તેમજ આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રેસર રહેતા NDRFના જવાનો પોતાના અદમ્ય સાહસ અને શિસ્તનો પરચો આપશે.
આ તમામ દળોના જવાનોના શિસ્તબદ્ધ કદમતાલથી હાલ એકતાનગરનું પરેડ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું.
‘વિવિધતામાં એકતા’ના સૂરને સાર્થક કરતા આ રાષ્ટ્રીય પર્વમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલી રાજ્ય પોલીસની ટુકડીઓ પણ ઉત્સાહભેર જોડાઈ છે.
જેમાં આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોની પોલીસ ટુકડીઓ ખભેખભા મિલાવીને માર્ચપાસ્ટ કરશે.આ પરેડમાં ગાર્ડ ઑફ ઑનર, ધ્વજવાહકો, NCC કેડેટ્સની શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ અને વિવિધ દળોના સૂરિલા બેન્ડની દેશભક્તિપૂર્ણ ધૂનો ઉપસ્થિત સૌ કોઈમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરશે.
આ ઉપરાંત, જાંબાઝ મોટરસાઇકલ ટુકડીઓ અને BSFની ચુસ્ત ડોગ સ્ક્વોડ પરેડમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને, સમાજ અને યુવાધનને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવા માટે ‘Fight Against Drugs’ ની થીમ પર આધારિત નેશનલ મોટરસાઇકલ રેલી આ ઉજવણીને વધુ સાર્થક બનાવશે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ભવ્ય એકતા પરેડને સલામી આપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
‘નકલમુક્ત ભારત’ની થીમ સાથે યોજાયેલી ઉજવણીમાં દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. એકતા પરેડમાં વિવિધ સુરક્ષા દળોની ટુકડીઓ, પોલીસ બેન્ડ અને આકર્ષક ટેબ્લોઝે દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
ઉજવણીના ભાગરૂપે ‘એકતા પ્રકાશ પર્વ’ અને ‘ભારત પર્વ’ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરવામાં આવશે.