હિંસક બની બંગાળ ચૂંટણી : હુમાયું કબીરની કાર પર હુમલો, સુવેંદુ સરકારને દોડાવીને દોડાવીને માર મરાયો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીના પહેલા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. અને મતદાને હિંસક રૂપ ધારણ કર્યું છે. એક તરફ મતદાતાઓ ભારે સંખ્યામાં પોલિંગ બુથ પર પહોંચી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના વિભિન્ન ભાગોમાં આગજની, મારપીટ અને તોડફોડના ગંભીર મામલાઓ સામે આવી રહ્યા છે. મુર્શિદાબાદ, કૂચબિહાર, સિલિગુડી અને માલદામાં ભારે તોફાન થઈ રહ્યા છે. મુર્શિદાબાદમાં તોફાની તત્ત્વોએ હુમાયું કબીરનો કાર પર લાકડી અને ઈંટોથી હુમલા કર્યા છે.
પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં મતદાન દરમિયાન હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે લોકોમાં ભય અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો. મુર્શિદાબાદ જિલ્લાના નાઓડા વિસ્તારમાં AJUPના વડા અને રેજીનગરના ઉમેદવાર હુમાયુ કબીરના કાફલા પર કેટલાક બદમાશોએ ઇંટો અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં TMC અને AJUP ના કાર્યકરો વચ્ચે ઉગ્ર અને લોહિયાળ અથડામણ થઈ હતી. ઘટના પછી કબીરે પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી કરી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અસુરક્ષા અને ભયની લાગણી વધુ વધી છે.
કૂચ બિહારના તુફાનગંજ વિસ્તારમાં મતદાન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને ત્યાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) ના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષા દળોએ ભીડને વિખેરી નાખી અને લાઠીચાર્જ કરીને સ્થિતિને નિયંત્રણમાં લીધી. આરોપ છે કે કેટલાક અસામાજિક તત્વો મતદારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેના કારણે બળપ્રયોગ કરવો પડ્યો હતો. દક્ષિણ દિનાજપુરના કુમારગંજ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર TMC સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સુવેન્દુ સરકારને બૂથ જામિંગની માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમની પર લાકડીઓ અને મુક્કાઓથી હુમલો થયો. તેમણે આરોપ મૂક્યો કે પોલીસની હાજરીમાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો.
માલદા જિલ્લાના મોથાબારી મતવિસ્તારમાં EVM મશીનમાં ખામી સર્જાતા મતદારોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. બાલુઆચરા હાઇસ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર ચૂંટણી અધિકારી મોડા પહોંચતા લોકોએ તેમને ઘેરી લીધા અને અસરકારક રીતે બંધક બનાવી દીધા હતા. કેટલાક લોકો દ્વારા અધિકારી સાથે ધક્કામુક્કી અને મારપીટ પણ કરવામાં આવી હતી. બીજી તરફ હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના બે જૂથો વચ્ચે આંતરિક વિવાદ ઉગ્ર બનતા બંગારુઆ ગામમાં આવેલી પાર્ટીની કેમ્પ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઓફિસ રાજ્યના વિદાય લેતા રાજ્યમંત્રી તજમુલ હુસૈનના પૈતૃક ગામમાં આવેલી હોવાનું જણાવાય છે.
સિલિગુડીના જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ બૂથ પર TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે અચાનક ઝઘડો થયો હતો. જે બાદ બંને પક્ષોમાં મારામારી થઈ. ઘટના સમયે ભાજપના ઉમેદવાર શંકર ઘોષ પણ ત્યાં હાજર હતા. CAPF ના જવાનોની ઝડપી કાર્યવાહીથી ભીડને વિખેરીને પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી અને મતદાન ફરી શરૂ કરાયું. આસનસોલ ઉત્તર વિસ્તારમાં TMC ઉમેદવાર મલય ઘટકે ગંભીર આક્ષેપ કર્યો કે મતદાન પહેલા પાંચ ખાસ ટ્રેનો દ્વારા બહારના લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાં ચાર ટ્રેનો ગુજરાતથી અને એક મધ્યપ્રદેશથી આવી હતી, તેમજ બિહારથી બસો દ્વારા લોકો લાવવામાં આવ્યા હોવાના દાવા પણ થયા છે. આ મુદ્દે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ જામુરિયા વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ગાડીમાં EVM મળ્યાનો દાવો થતા વિવાદ વધ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે ‘ઓન ઇલેક્શન ડ્યુટી – જામુરિયા AC 279’ લખેલી ગાડીમાં રિઝર્વ EVM રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી જેના કારણે શંકા વધુ ઘેરાઈ છે.