સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમ કોર્ટનો સ્ટે પર હુકમ નહીં

ગીર સોમનાથના સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના જાહેરનામાને લઈને કાનૂની વિવાદ વધુ વકર્યો છે. આ મામલે છ નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા 10 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા જાહેરનામા મુજબ શહેરના ચોક્કસ વિસ્તારોમાં નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જાહેરનામાને છ રેસ્ટોરન્ટ સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું. સુનાવણી દરમિયાન હાઈકોર્ટના સિંગલ જજે 10 ઓગસ્ટના જાહેરનામાને રદ કરી દીધું હતું. જોકે, રાજ્ય સરકારે સિંગલ જજના આદેશ સામે તાત્કાલિક અપીલ કરી હતી. ત્યારબાદ એક્ટિંગ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશ સામે સ્ટે આપ્યો હતો. પરિણામે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું હાલ અમલમાં રહે છે.હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના સ્ટેને પડકારતાં અરજદારો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. અરજદારોના વકીલ અસરાર મન્સૂરીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ અપીલનો બે મહિનાની અંદર ઝડપી નિકાલ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્ટે અંગે કોઈ હુકમ કર્યો નથી. તેથી હાલ હાઈકોર્ટનો સ્ટે યથાવત રહેશે અને 10 ઓગસ્ટનું જાહેરનામું અમલમાં રહેશે.

આ સમગ્ર મામલે છ અરજદાર રેસ્ટોરન્ટ સંચાલકોએ એક અન્ય ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો છે. અરજદારોના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં કેસની પ્રથમ સુનાવણી થઈ હતી. તે જ દિવસે મામલતદાર દ્વારા આ છ રેસ્ટોરન્ટ માલિકો પાસે પોલીસ ચોકીમાં કબૂલાતનામા પર સહીઓ લેવામાં આવી હતી.

આ કબૂલાતનામામાં ભવિષ્યમાં નોનવેજ ખોરાકનું વેચાણ નહીં કરવા અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરવાની સંમતિ લેવામાં આવી હોવાનો અરજદારોનો આક્ષેપ છે. આ મુદ્દે હાઈકોર્ટે પણ સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ મામલતદારે રેસ્ટોરન્ટ સંચાલકોની સહીઓ શા માટે લીધી હતી?

હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત હાઈકોર્ટમાં આગામી બે મહિનામાં આ કેસની સુનાવણી પૂર્ણ થવાની છે. ત્યારે સોમનાથમાં નોનવેજ વેચાણ પરના પ્રતિબંધ અંગે અંતિમ નિર્ણય શું આવે છે તેના પર છ રેસ્ટોરન્ટ સંચાલકો સહિત સ્થાનિક વેપારીઓની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *