ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે

ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. NSO એ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ અંદાજ જાહેર કરતા કહ્યું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2 ટકા રહેવાની વાત કરવામાં આવી છે.
સ્ટેટેસ્ટીક ડીપાર્ટમેન્ટના આ અંદાજ માર્ચ 2025માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 6.6 ટકાના તાજેતરના અંદાજ કરતા ઓછો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક (H1)માં ધીમી કામગીરી હોવા છતાં, મંત્રાલયને અપેક્ષા છે કે ગ્રામીણ માંગ મજબૂત રહેવા સાથે બીજા અર્ધવાર્ષિક (H2)માં કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે. આના કારણે ભારત 6.4% થી 6.8% નો વિકાસ દર હાંસલ કરે તેવી શક્યતા છે. સરકાર માને છે કે આ ક્ષેત્રોમાં સુધારાથી આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.