Asian Games 2026: ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઈનલમાં શ્રીલંકાને 147 રને હરાવ્યું

એશિયન ગેમ્સ-2026મા ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને 147 હરાવ્યું છે. આ સાથે એશિયન ગેમ્સ 2026મા ભારતના કુલ મેડલોની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે.
ભારતે 20 ઓવરમાં 216 રન ફટકાર્યા હતા. ટીમને ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. શેફાલી વર્મા 29 બોલમાં 3 ફોર અને ત્રણ સિક્સ સાથે 48 રન બનાવી આઉટ થઈ હતી.
સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતા 79 રન ફટકાર્યા હતા. સ્મૃતિએ પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરએ 19 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરમાં રિચા ઘોષએ આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સાથે અણનમ 49 રન બનાવ્યા હતા. ભારતી ફુલમાલી 7 રન બનાવી અણનમ રહી હતી.
શ્રીલંકા માત્ર 69 રનમાં ઓલઆઉટ
ભારતે આપેલા મોટા લક્ષ્યની સામે શ્રીલંકાનો ધબડકો થયો હતો. શ્રીલંકાની મહિલા ટીમ માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 1 મેડન સાથે 6 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને શ્રી ચરણીને બે-બે વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા.