ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિની ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે હર્ષિત ગોસાવીને મહેસાણાના નવા કલેક્ટર બનાવાયા છે.
આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોળેરા SIR અને માંડલ બેચરાજી SIR ના CEO તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે આણંદના નવા કલેક્ટર તરીકે ઉત્સવ ગૌતમની નિમણૂક થઈ છે. આ ઉપરાંત એમ. જે. દવેને વાવ થરાદના નવા કલેક્ટર તરીકે મુકાયા છે.
જિલ્લા પંચાયત કક્ષાએ પણ મહત્ત્વના ફેરફારો કરતા કચ્છ-ભુજમાં અતિરાગ ચપલોત, વલસાડમાં વંદના મીણા, બનાસકાંઠામાં રામ નિવાસ બુગાલિયા, તાપીમાં સ્વપ્નિલ મહાદેવ સિસલે, છોટાઉદેપુરમાં ઓમકાર રાજેન્દ્ર શિંદે અને અમરેલીના DDO તરીકે રાજેશ કુમાર મૌર્યની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય સ્તરની અન્ય મહત્વની જવાબદારીઓમાં ગાંધીનગરમાં માહિતી નિયામક તરીકે જી. ટી. પંડ્યાને મુકાયા છે. સાથે જ, ગુજરાત ગેસ લિમિટેડના MD ગૌરાંગભાઈ મકવાણાને ‘ઇન્ડેક્સ્ટ બી’ના MDનો વધારાનો હવાલો તથા આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડેને રાહત કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.