કિશ્તવાડથી લાપતા થયેલા 2 SPO ના શવ જંગલમાંથી મળ્યા, શરીર પર ગોળીઓના નિશાન

બુધવારે કિશ્તવાડમાંથી સ્પેશિયલ પોલીસ ઓફિસર લાપતા થઈ ગયા હતા. ગુરુવારે તેમની બોડી જંગલમાંથી મળી આવી છે. આ મામલે અપહરણ અને હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓને પકડી પાડવા અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર એસપીઓના મૃતદેહ પાસેથી કોઈ જ હથિયાર મળ્યા નથી, તેમના શરીર પર ગોળીઓના નિશાન હોવાનું પણ કહેવાય રહ્યું છે.
લાપતા થયેલા સ્પેશિયલ પોલીસ ઓફિસરની બોડી મળ્યા પછી કિશ્તવાડ જિલ્લાના જંગલ વિસ્તાર અને તમામ રસ્તા પર તપાસ અને ઘેરાબંધી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું અપહરણ અને તેમની હત્યા મામલે સંડોવાયેલા આતંકીઓને પકડવા માટે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ કેન્દ્રીય ટીમો એક સાથે કામ કરી રહી છે.
બુધવારે કિશ્તવાડ જિલ્લાના ઊંચા પર્વતીય જંગલ વિસ્તારમાંથી બે પોલીસ ઓફિસર લાપતા થઈ ગયા હતા, ત્યારથી જ તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે જંગલમાંથી બંને પોલીસ અધિકારીઓના મૃતદેહ મળી આવ્યા. પોલીસ અધિકારીના મૃતદેહ એ જગ્યાથી બે કિલોમીટર દૂર મળી આવ્યા જ્યાંથી તેઓ લાપતા થયા હતા. મળતી જાણકારી અનુસાર બંનેના શરીર પર ગોળીઓ વાગી હોય તેવા નિશાન મળી આવ્યા છે.
લાપતા થયેલા એસપીઓમાંથી બાબી ચંદની ઉંમર 57 વર્ષની અને રશપાલની ઉંમર 45 વર્ષની હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર બંને પોતાના કેમ્પથી ધરના મરવાહ સ્થિત સેનાની એક ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેઓ લાપતા થઈ ગયા. લાપતા થયા પછી તેમના મોબાઈલથી સંપર્ક છૂટી ગયો. લાપતા થયાના થોડા જ સમયમાં તેમના ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા. ત્યારથી જ સેના અને પોલીસ બંને અધિકારીઓની તપાસ કરી રહી હતી.