વધુ એક વિમાન દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન ક્રેશ થતાં આખો પરિવાર ખતમ

અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન બિઝનેસ વિમાન ક્રેશ થઈ ગયું. નોર્થ કેરોલિનામાં એક સેસ્ના સિટેશન II વિમાન ક્રેશ થયું. સેસ્ના 550 સિટેશન II, N257BW, સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ (SVH) પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થઈ ગયું, દુર્ઘટના સમયે તેમાં છ લોકો સવાર હતા. વિમાન ક્રેશ થતાંની સાથે જ તેમાં આગ લાગી ગઈ અને સ્થાનિક મીડિયાએ અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને બાળકો સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. અધિકારીઓયે જણાવ્યા પ્રમાણે, ગુરુવારે ઉત્તર કેરોલિનાના પ્રાદેશિક એરપોર્ટ પર એક બિઝનેસ પ્લેન ક્રેશ થઈ ગયું જેનો ઉપયોગ NASCAR ટીમો અને ફોર્ચ્યુન 500 કંપનીઓ દ્વારા કરવામાં આવતો હતો.
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા પ્રમાણે, વિમાન ટેકઓફ કર્યા પછી પૂરતી ઊંચાઈ મેળવવામાં નિષ્ફળ ગયું અને થોડા માઇલ ઉડાન ભર્યા પછી તરત જ પાછું વળી ગયું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે FAA ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને અકસ્માતના કારણની તપાસ કરશે. માહિતી પ્રમાણે, દુર્ઘટના સમયે હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેને દુર્ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પ્રમાણે, સેસ્ના C550 વિમાન લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે, સવારે 10:15 થી 10:20 વાગ્યાની વચ્ચે થઈ. FAA એ અહેવાલ આપ્યો છે કે વિમાને સવારે 10:06 વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ થોડીવારમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો અને ક્રેશ થઈ ગયું.
ઇરેડેલ કાઉન્ટી શેરિફે આ દુર્ઘટનામાં કેટલાક લોકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે કેટલા લોકોના મોત થયા છે, તેની હજુ ચોક્કસ માહિતી નથી. દરમિયાન, એરપોર્ટ નજીક ગોલ્ફ રમતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન ક્રેશ થયા પછી તરત જ આગ ભડકી ગઈ અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા.