Ahmedabad: અમદાવાદમાં ફરી મોટી વિમાન દુર્ઘટના થતા ટળી, એન્જિનમાં અચાનક આગ લાગતા પાયલોટે આપ્યો ‘મેડે’ કૉલ

અમદાવાદમાં દીવ માટે ટેકઓફ કરવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. વિમાનમાં કૂલ 60 મુસાફર સવાર હતા. આગ લાગવાની જાણ થતા જ પાયલોટે ATCને મેડે કોલ આપ્યો હતો અને પ્લેનને ટેકઓફ કરતા રોકી દેવામાં આવ્યું હતું.તે બાદ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ઇન્ડિગો પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટમાં ટેકનિકલ ગડબડની ખબર પડ્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ ATR76 હતી જેને સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કરવાનું હતું.
મળતી માહિતી અનુસાર, પ્લેનમાં ATC ક્લિયરન્સ મળ્યા બાદ રન વે પર રોલ કરવાનું શરૂ જ કર્યું હતું. આ રોલિંગ બાદ પ્લેન ટેકઓફ કરવા જાય છે પરંતુ ત્યારે ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી ગઇ અને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો હતો.
ઉતાવળમાં ફ્લાઇટને ખાલી કરાવવામાં આવી હતી. ઇન્ડિગો પ્રવક્તા અનુસાર, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરતા પાયલોટે અધિકારીઓને જાણકારી આપી હતી અને પ્લેનને પરત ‘બે’માં મોકલી દીધુ છે. ઇન્ડિગોએ કહ્યું કે ફ્લાઇટને ઓપરેશનમાં લાવ્યા પહેલા જરૂરી તપાસ અને મેઇન્ટેનન્સ કરવામાં આવશે.
એરલાઇને ગ્રાહકોને થયેલી મુશ્કેલી બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમને રિફ્રેશમેન્ટ આપી બીજી ફ્લાઇટથી રવાના કરવા અથવા રિફંડની રજૂઆત કરી હતી. આ પહેલા સોમવારે ગોવાથી ઇન્દોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ લેન્ડિંગ પહેલા ટેકનિકલ મુશ્કેલી આવી હતી. જોકે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ ટેકઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફર સહિત 275 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.
આ પણ વાંચો, Gujarat ATS: અલકાયદા સાથે સંકળાયેલા 4ને ATSએ ઝડપ્યા, અરવલ્લીમાંથી બે આતંકવાદીઓની ધરપકડ