બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ સતત ચાલુ છે. 18 દિવસમાં હિન્દુની આ છઠ્ઠી હત્યા છે. સોમવારે રાત્રે (5 જાન્યુઆરી) નારસિંગડી જિલ્લાના ચારસિંદુર બજારમાં કરિયાણાના વેપારી મણિ ચક્રવર્તીની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પલાશ ઉપજિલ્લામાં તેમની દુકાન પર બેઠા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ ચક્રવર્તી પર હુમલો કર્યો હતો. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય.
મણિ ચક્રવર્તી શિબપુર ઉપજિલ્લાના રહેવાસી હતા. ચારસિંદુર બજારના વેપારીઓ મણિને ખૂબ જ શાંત વ્યક્તિ ગણાવતા હતા જેમનો કોઈ સાથે દુશ્મનાવટ ન હતી. બજારમાં આ રીતે તેમની હત્યાથી લઘુમતીમાં ભય ફેલાયો છે. ઘણા વેપારીઓ કહે છે કે, તેઓ હવે ખૂબ જ ડરી ગયા છે અને તેમના રોજિંદા કાર્યો કરતી વખતે પણ અસુરક્ષિત અનુભવે છે. હિન્દુઓએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને કડક સજાની માંગ કરી છે.
ગયા અઠવાડિયે, કાપડ ફેક્ટરીના કામદાર દીપુ ચંદ્ર દાસને ટોળાએ માર માર્યો હતો, જ્યારે અમૃત મંડલની પણ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી. મૈમનસિંહ જિલ્લામાં એક હુમલામાં બજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 31 ડિસેમ્બરના રોજ, શરિયતપુર જિલ્લાના કેયુરભંગા બજાર નજીક એક ટોળાએ હિન્દુ ઉદ્યોગપતિ ખોકન ચંદ્ર દાસને છરી વડે હુમલો કરીને આગ લગાવી દીધી હતી. ઢાકાના નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક હિન્દુ પુરુષની હત્યાએ માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ ચિંતા ઉભી કરી છે.