રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સંશોધનમાં રાજ્યમાં હીટવેવની સ્થિતિ અંગે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સંશોધન અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
સંશોધનમાં જણાવ્યા અનુસાર, ઉત્તર સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હીટવેવના દિવસોમાં પ્રતિ વર્ષ એક દિવસના દરે સતત વધારો થઈ રહ્યો છે. 1961-1990ના આધારભૂત સમયગાળાની સરખામણીએ 1991-2022ના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં થયેલો આ વધારો ખરેખર ચિંતાજનક છે.
સંશોધકોએ હીટવેવ ડ્યૂરેશન ઇન્ડેક્સ (HWDI) નો ઉપયોગ કરીને આ તારણો મેળવ્યા છે. આ ઇન્ડેક્સ સતત ત્રણ દિવસ સુધી 95મા પ્રતિશતકથી વધુ દૈનિક મહત્તમ તાપમાનવાળા દિવસોની વાર્ષિક ગણતરી દર્શાવે છે. સંશોધનમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધ્યો છે.