Amreli: કચરાનું રિસાઇક્લિંગ કરતા કારખાનામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની સાત ટીમ ઘટનાસ્થળે

અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 7 જેટલાં ફાયરબ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર કંટ્રોલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
કચરાનું રિસાઇક્લિંગ કરતા કારખાનામાં આગ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાઇક્લિંગ કરતા કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જાફરાબાદ મામલતદાર સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આગના કારણે કોઇ જાનહાનિ ન થાય એ માટે તકેદારીનાં પગલાં લીધાં છે. આગ એટલી બધી વિકરાળ છે કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા છે.

આગ પર કાબૂ મેળવવા માટે રાજુલા અને જાફરાબાદની નગરપાલિકાની ફાયરની ટીમ, પીપાવાવ પોર્ટની ટીમ, સિન્ટેક્સ કંપનીની ટીમ અને અલ્ટ્રાટેક કંપની સહિતની સાત જેટલી ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મળતી માહિતી મુજબ, હાલમાં આગ સતત વધી રહી છે, જેના કારણે અમરેલી જિલ્લા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે જવા રવાના કરવામાં આવી છે. આ આગ કયા કારણસર લાગી એ હજી સુધી જાણી શકાયું નથી, જોકે આગને કારણે મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો, Vikram Thakor: વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે?, રાજકીય પક્ષમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન