અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાવજનો આતંક જોવા મળ્યો છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહ દર્શન કરવા ગયેલા એક 21 વર્ષીય યુવક પર સિંહ અને સિંહણે જીવલેણ હુમલો કરી તેને બેરહેમીથી ફાડી ખાધો છે. સોહીલ મેમણ નામનો આ યુવક પોતાના મિત્રો સાથે ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાં ઘૂસ્યો હતો, ત્યારે જ આ કરુણ ઘટના ઘટી હતી, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, અત્યારે સિંહોનો ‘મેટિંગ પિરિયડ’ (સમાગમ કાળ) ચાલી રહ્યો છે, જે દરમિયાન તેઓ અત્યંત આક્રમક હોય છે. આ જ સમયે સોહીલ અને તેના મિત્રો જંગલ અને રેવન્યુ વિસ્તારની બોર્ડર પર સિંહોને જોવા પહોંચ્યા હતા. અચાનક જ સિંહોએ આ યુવકો પર હુમલો કરી દીધો હતો. સિંહો સોહીલને ઢસડીને જંગલમાં ખૂબ દૂર સુધી ખેંચી ગયા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. પરંતુ સિંહો એટલા ગુસ્સામાં હતા કે તેઓ યુવકનો મૃતદેહ છોડવા જ તૈયાર નહોતા. આખરે અધિકારીઓએ સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશીને ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
સાથે ગયેલા 2 મિત્રોની અટકાયત અને તપાસ શરૂ
આ ગંભીર ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક એક્શન લીધા છે. મૃતક સોહીલ સાથે સિંહ દર્શન કરવા ગયેલા અન્ય 2 યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ યુવકો રાતના સમયે જંગલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા? તેમને ત્યાં જવા માટે કોણે માર્ગદર્શન આપ્યું હતું? શું કોઈ સ્થાનિક તત્વો ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી રહ્યા છે? આ તમામ દિશામાં વન વિભાગે પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લા માત્ર સવા મહિનામાં જ સિંહ હુમલાની આ 7મી ઘટના છે. આ 7 ઘટનાઓમાં કુલ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ક્યાં નોંધાયા મોત? બગસરાના ઘંટીયાળ, સાવરકુંડલાના જૂનાસાવર, રાજુલાના કોવાયા, ખાંભાના ચતુરી અને હવે લીલીયાના અંટાળીયામાં.
ક્યાં થયા જીવલેણ હુમલા? રાજુલાના વડ અને સાવરકુંડલાના ઠવી ગામે સિંહે 2 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા.
સતત વધી રહેલા આ હુમલાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ડરનો માહોલ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અંટાળીયા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું, તો વન વિભાગે લોકોને જંગલમાં પ્રવેશતા અટકાવવા અગાઉથી કેમ કોઈ કડક પગલાં ન લીધા? આ ઘટનાએ વન વિભાગની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.