આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 

તાજેતરમાં સર્જાયેલા વિવાદ અને કાયદાકીય ચીમકીઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે ફરી હવામાનની આગાહી કરવાની જાહેરાત કરી છે. ગત દિવસે તેમણે આગાહી નહીં કરવાની જાહેરાત કરતાં ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેઓ ફરી હવામાન અંગે આગાહી કરશે. આ નિર્ણય બાદ રાજ્યના હજારો ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષોથી પરંપરાગત જ્ઞાન અને અનુભવના આધારે હવામાનની આગાહી કરતા આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ માત્ર ખેડૂતો અને સામાન્ય જનતાને સમયસર માહિતી પહોંચાડવાનો રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ હવામાનની આગાહી કરીને કોઈપણ પ્રકારનો નાણાકીય લાભ મેળવતા નથી. તેમની આગાહીનો હેતુ માત્ર જનહિત અને ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા લોકોને માર્ગદર્શન આપવાનો છે.

તાજેતરમાં જયંત પંડ્યા તરફથી વારંવાર કાયદાકીય પગલાં લેવાની ચીમકી અને ધમકી મળતા અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી અને ખેડૂતો સહિત અનેક લોકોએ તેમના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. વિવાદ વધતા અંબાલાલ પટેલે થોડા સમય માટે આગાહી ન કરવાની મનાઈ ફરમાવી હતી, જેના કારણે તેમના અનુયાયીઓ અને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.

હવે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તેઓ કાયદાકીય બાબતોનું પૂરતું જ્ઞાન મેળવીને આગળથી હવામાનની આગાહી કરશે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે જરૂરી કાયદાકીય બાબતોને સમજીને જ આગાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પરંપરાગત જ્ઞાન અને વર્ષોના અનુભવના આધારે કરવામાં આવતી આગાહીનો હેતુ માત્ર લોકોનું માર્ગદર્શન કરવાનો છે, કોઈ વ્યક્તિગત લાભ મેળવવાનો નથી.અંબાલાલ પટેલના આ નિર્ણયથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઘણા ખેડૂતો ખેતી સંબંધિત નિર્ણયો લેવા માટે તેમની આગાહીને મહત્વ આપતા આવ્યા છે. ચોમાસા, વરસાદ અને હવામાનના બદલાતા મિજાજ અંગે તેમની આગાહી અનેક ખેડૂતો માટે ઉપયોગી સાબિત થતી રહી છે. તેથી તેમણે ફરી આગાહી શરૂ કરવાની જાહેરાત કરતાં ખેડૂતોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *