18 વર્ષ બાદ ‘તારક મહેતા’ શો છોડશે જેઠાલાલ?:’દયા’ બાદ હવે દિલીપ જોશીની વિદાય નક્કી? જાણો મેકર્સે શું કહ્યું

ટીવી જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. ‘દયાબેન’ (દિશા વાકાણી) ના ગયા પછી શોને પોતાના ખભા પર ટકાવી રાખનાર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી પણ હવે શો છોડી રહ્યા છે, આ પ્રકારની ચર્ચાએ જોર પક્ડ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે શોમાં હવે ગુજરાતી ગડા પરિવારના સ્થાને રાજસ્થાની પરિવારને લીડ રોલમાં લાવવામાં આવી રહ્યું છે. જોકે, આ તમામ વાતો પર હવે શોના મેકર્સનું નિવેદન સામે આવ્યું છે.
શું જેઠાલાલના સીન ઓછા થઈ રહ્યા છે?
તાજેતરમાં કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેકર્સ હવે દિલીપ જોશી (જેઠાલાલ)ના સીન્સ ઓછા કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. તેનું કારણ એવું દર્શાવવામાં આવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં શોમાં એન્ટ્રી લેનાર રાજસ્થાની પરિવારને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ પરિવારમાં રત્ન સિંહ બિજોલા (કુલદીપ ગોર) અને તેમની પત્ની રૂપા (ધરતી ભટ્ટ) અને તેમના બે બાળકો છે. આથી, મેકર્સ હવે જેઠાલાલના ટ્રેકને ઓછો કરીને આ રાજસ્થાની પરિવારની સ્ટોરી પર વધુ ફોકસ કરવા માંગે છે.
સોશિયલ મીડિયા પર વધી રહેલી આ અફવાઓ અને દર્શકોની ચિંતા વચ્ચે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકર્સે સ્પષ્ટતા કરી છે. મેકર્સે આ તમામ અહેવાલોને ખોટા ગણાવતા કહ્યું છે કે, દિલીપ જોશી શોનો હિસ્સો જ રહેશે અને તેઓ ક્યાંય જઈ રહ્યા નથી. શોની વાર્તા આજે પણ ‘જેઠાલાલ’ ના પાત્રની આસપાસ જ વણાયેલી છે અને તેમને ક્યારેય ઓફ-ટ્રેક કરવામાં આવશે નહીં. આગામી સમયમાં (28 જુલાઈએ) આ શો પોતાના સફળતાપૂર્વકના 18 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે, અને આ ખાસ અવસરે પણ જેઠાલાલ પહેલાની જેમ જ શોનો મુખ્ય હિસ્સો બનેલા રહેશે.
દિલીપ જોશી શોની શરૂઆતથી જ એટલે કે છેલ્લા 18 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તેને ‘ચંપકલાલ’ (બાપુજી) નો રોલ ઓફર થયો હતો, પણ તેમણે ‘જેઠાલાલ’ બનવાનું પસંદ કર્યું. આજે તે શોના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ફી લેતા કલાકારોમાંના એક છે, જેને એક એપિસોડના અંદાજે 1.5થી 2 લાખ રૂપિયા મળે છે. પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સાથે પણ તેના સંબંધો ઘણા સારા છે.
બીજી તરફ, દિશા વાકાણી (દયાબેન) 2017થી મેટરનિટી લીવ પર ગયા બાદ હજુ સુધી પાછા ફર્યા નથી. તાજેતરમાં જ અસિત મોદીએ પુષ્ટિ કરી હતી કે દિશા વાકાણી માટે હવે શોમાં પાછા આવવું મુશ્કેલ છે, કારણ કે લગ્ન અને બાળકો બાદ પારિવારિક જવાબદારીઓ વધી જાય છે. જોકે, અસિત કુમાર મોદી હજુ પણ પોઝિટિવ છે કે જો કોઈ ચમત્કાર થાય તો સારું, નહીંતર તે શો માટે નવી દયાબેનની શોધ કરશે.
ગુજરાતની કલાકસબીઓની ભૂમિ સૌરાષ્ટ્રના અણમોલ રત્નસમાન જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ પોરબંદરમાં થયો. મુંબઈની N.M કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં B.COMની ડિગ્રી મેળવી. દિલીપ જોશીને અભ્યાસ દરમિયાન INT ( ઈન્ડિયન નેશનલ થિયેટર)માંથી બેસ્ટ એકટર અવોર્ડ મળ્યો હતો. દિલીપ જોશીએ 12 વર્ષની ઉમરથી એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. દિલીપ જોશીએ પૃથ્વી થિયેટરમાં અનેક શોઝ કર્યા દિલીપ જોશીએ શરૂઆતમાં કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું.