એલાયન્સ એરની ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થયું:દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, તમામ 40 મુસાફરો સુરક્ષિત

એલાયન્સ એરની ફ્લાઇટનું એન્જિન હવામાં ખરાબ થઈ ગયું. ફ્લાઇટને બીજા એન્જિનથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આઇજીઆઇએ (IGIA) એ ટર્મિનલ-1 ના રનવે-4 પર ઈમરજન્સી જાહેર કરી. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ સુધી લગભગ 30 મિનિટ સુધી રનવેને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવ્યો.

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 40 લોકો સવાર હતા. બધા સુરક્ષિત છે. ડીજીસીએ (DGCA) એ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

એલાયન્સ એરની ફ્લાઇટ નંબર 9I- 698 એ બપોરે લગભગ 12:33 વાગ્યે પ્રયાગરાજથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. મેરઠની આસપાસ પહોંચતા પાયલટને એક એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળ્યું. પાયલટે તેની જાણ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને કરી. દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગની મંજુરી માંગી.

માહિતી મળતા જ IGI એરપોર્ટ પર ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ માટે એરપોર્ટ પર તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. બપોરે લગભગ 2:15 વાગ્યે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે શુક્રવારે સવારે 10:45 વાગ્યે બિલાસપુરથી પ્રયાગરાજ માટે રવાના થયું હતું. વિમાન સવારે લગભગ 11:58 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચ્યું હતું.

થોડીવાર રોકાયા બાદ વિમાને બપોરે 12:33 વાગ્યે પ્રયાગરાજથી દિલ્હી માટે ઉડાન ભરી. ત્યારબાદ ટેકનિકલ ખામી સામે આવી.

એલાયન્સ એરના વિમાનમાં ટેકનિકલ ખામીની આ લગભગ બે સપ્તાહમાં બીજી ગંભીર ઘટના છે. આ પહેલા 28 ઓગસ્ટે દિલ્હીથી બિલાસપુર પહોંચેલી એલાયન્સ એરની ફ્લાઇટ 9I 613 સાથે દુર્ઘટના થતા-થતા બચી હતી.

બિલાસપુરના બિલાસા દેવી કેવટ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનનું ડાબું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટ્યા બાદ રનવે પર તણખા નીકળ્યા અને જોરદાર ઘર્ષણ થયું. જોકે, પાયલટે સમજદારી બતાવીને વિમાનને સુરક્ષિત રોકી લીધું.

વિમાનમાં 37 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બધા સુરક્ષિત રહ્યા. બે અઠવાડિયાની અંદર સામે આવેલી આ બંને ઘટનાઓ બાદ એલાયન્સ એરના વિમાનોના જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *