Air India: એર ઇન્ડિયાએ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ કરી રદ્દ, 16 રૂટ્સ પર ફ્લાઇટ ઘટાડી

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 21 જૂનથી 15 જૂલાઈ, 2025 વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત 16 અન્ય રૂટ પર સેવાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલું ફ્લાઇટ શિડ્યૂલને સ્થિર કરવા અને મુસાફરોને છેલ્લી ઘડીની અસુવિધાથી બચાવવા માટે છે. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક કામચલાઉ નિર્ણય છે અને 15 જૂલાઈ સુધી અમલમાં રહેશે.ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ જ્યાં ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે તેમાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગેટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગેટવિક)નો સમાવેશ થાય છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય 16 રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવામાં આવી છે.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બે મુખ્ય કારણોસર લેવામાં આવ્યો છે. પ્રથમ બધી ફ્લાઇટ્સ પહેલાં સુરક્ષા ધોરણોની કડક તપાસ માટે સમય આપવો, અને બીજું મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટ્સનો સમયગાળો વધ્યો છે.
ગુરુવારે એર ઇન્ડિયાએ ફરી એકવાર પ્રભાવિત મુસાફરોની માફી માંગી અને કહ્યું કે તે વૈકલ્પિક ફ્લાઇટ્સ, મફત રિ-શેડ્યુલિંગ અને મુસાફરોને સંપૂર્ણ રિફંડ જેવા વિકલ્પો પ્રદાન કરી રહી છે. એરલાઇન ટીમ મુસાફરોનો સીધો સંપર્ક કરી રહી છે જેથી તેઓ ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરી શકે અને તેમની મુસાફરીનું ફરીથી આયોજન કરી શકે.
નોંધનીય છે કે આના એક દિવસ પહેલા એર ઇન્ડિયાએ તેના વાઇડ-બોડી એરક્રાફ્ટની ફ્લાઇટ્સમાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે એરલાઇન તેના ઓપરેશન્સને પાછું પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે.
વધારાની તપાસમાં લાગતા સમય અને ફ્લાઇટ કામગીરી પર સંભવિત અસરને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ 20 જૂનથી મધ્ય જુલાઈ સુધી મોટા વિમાનો સાથેની તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં લગભગ 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વિલ્સને જણાવ્યું કે, “આનાથી અમને કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે વધુ વિમાનો તૈયાર રાખવામાં મદદ મળશે. અમને ખ્યાલ છે કે અમારા ફ્લાઇટ ઓપરેશનમાં આ કામચલાઉ ઘટાડો તમારી મુસાફરી યોજનાઓને અસર કરી શકે છે. કોઈપણ અસુવિધા બદલ અમને ખૂબ જ દુઃખ છે.”
આ પણ વાંચો, હજુ સાત દિવસ વરસશે વરસાદ, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ