‘શરૂઆતમાં મને શંકા હતી…’: રામ મંદિરના કેસ પર કેજરીવાલનો નવો દાવો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે દાવો કર્યો કે, ‘મેં શ્રી રામ મંદિર સાથે જોડાયેલી માહિતીની પુષ્ટિ કરી લીધી છે. શરૂઆતમાં મને આની સત્યતા પર શંકા હતી. હું આજે આ અંગેની સંપૂર્ણ માહિતી આપીશ.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા મને શ્રી રામ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતી મળી હતી. શરૂઆતમાં મને તેના પર વિશ્વાસ નહોતો થયો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મેં તે માહિતીની પુષ્ટિ કરી છે અને તે સંપૂર્ણપણે સાચી છે. આજે હું બપોરે 1:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી તમારી સાથે શેર કરીશ.’
આ પહેલા શનિવારે કેજરીવાલે અયોધ્યા રામ મંદિર માટે મળેલા દાનમાં થયેલી કથિત હેરાફેરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ કૌભાંડમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મામલે માત્ર નીચલા સ્તરના પદાધિકારીઓ કે કર્મચારીઓ સામે જ નહીં, પરંતુ આની પાછળ રહેલા મોટા નામો સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે, માત્ર જુનિયર પદાધિકારીઓને નિશાન બનાવવાથી જનતાની ચિંતા દૂર નહીં થાય. આ કથિત હેરાફેરીમાં ટોચના સ્તરે બેઠેલા લોકોની જવાબદારી નક્કી કરીને તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, અમે આ મામલે સંડોવાયેલા મોટા નામો સામે કડક કાર્યવાહી ઈચ્છીએ છીએ. માત્ર નાના લોકોની ધરપકડ કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. આમાં જે પણ મોટા માથાઓ સામેલ છે, તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે ચાલી રહેલા સમાચારો પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું કે, માત્ર રાજીનામા આપી દેવાથી કોઈ ફાયદો નહીં થાય. આ અંગે હાલ માત્ર અફવાઓ છે, હકીકત શું છે તે હજુ સુધી કોઈને ખબર નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે માત્ર રાજીનામું અપાવી દેવાથી ફાયદો નથી થવાનો. આ કથિત ચોરીમાં સામેલ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ.”
યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ ષડયંત્ર રચી રહ્યા
અરવિંદ કેજરીવાલે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ એક મોટું રાજકીય કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, હું તેમને કહેવા માગુ છું કે આ ‘ચંદા ચોર’ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ પણ ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ યોગીજીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. હું યોગી આદિત્યનાથને કહેવા માંગુ છું કે તેઓ આ મહાપાપનો ભાગ ન બને. જે લોકોએ ભગવાન રામના ધામને લૂંટવાનું કૃત્ય કર્યું છે, તેમને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં ન આવે અને તેમને ફાંસીની સજા આપવામાં આવે.
અયોધ્યાની એક સ્થાનિક અદાલતે સોમવારે કથિત ચંદા કૌભાંડ મામલે મોટો નિર્ણય સંભળાવતા તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક હિરાસત (જુડિશિયલ કસ્ટડી)માં મોકલી આપ્યા છે. કોર્ટનો આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નાણાકીય અનિયમિતતાઓ અને દાન અને પ્રસાદના દુરુપયોગના અહેવાલોમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલી સંપૂર્ણ તપાસ બાદ આવ્યો છે.