Ahmedabad: હોટલના બેન્ક્વેટમાં સગાઈ દરમિયાન ચોરી, મહેમાનોના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ 4.89 લાખની ચોરી કરી

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તેવામાં મહેમાનોના સ્વાંગમાં ચોરી કરતી ટોળકીઓ પણ સક્રિય થઈ જતી હોય છે. આ ટોળકી પેલા તો તૈયાર થઈ ને મહેમાનની જેમ પ્રસંગમાં આવી જાય છે. અને ત્યારબાદ બધાની નજર ચૂકવીને આંખના પલકારમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે. આવી જ એક ઘટના અમદાવાદના પકવાન સર્કલ પાસે આવેલી પ્રાઈડ પ્લાઝા હોટલમાં બની છે. જેમાં પ્રાઈડ પ્લાઝા હોટલના બેન્ક્વેટમાં સગાઈના પ્રસંગ દરમિયાન ગઠિયાઓેએ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 4.89 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
થલતેજ વિસ્તારમાં આવેલા નંદનવન બંગ્લોઝમાં રહેતા વિપુલ પટેલના દિકરા સ્મિતની સગાઇ ગઇકાલે પકવાન સર્કલ ખાતે આવેલા પ્રાઇડ પ્લાઝા હોટલના ઇમ્પીરીયલ બેન્કવેટમાં હતી. સગાઇમાં વિપુલ પટેલના સંબંધીઓ તેમજ થનારી પુત્રવધુના સંબંધીઓ હાજર હતા. વિપુલ પટેલે પુત્રવધુ માટે સોનાની ડાયમંડવાળી ચેઇન, કાનમાં પહેવાની બુટ્ટી, લક્કી, સોનાનો સેટ, ચાંદીના સાંકળા લીધા હતા. દાગીના તેમજ 1.75 લાખ રોકાડા અને મોબાઇલ ફોન એક ગ્રે કલરના પર્સમાં રાખેલુ હતું. વિપુલ પટેલે સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની ચીજવસ્તુઓ તેની માતા ભારતીબેનને સાચવવા માટે આપ્યુ હતું. ભારતીબેન સ્ટેજની નજીક ખુરશીમાં બેઠા હતા અને તમામ ચીજ-વસ્તુઓ તેમની નીચે મુકી હતી. ભારતીબેને થોડા સમય પછી ખુરશીની નીચે જોયુ તો કિંમતી સામાન ગાયબ હતો. ભારતીબેને તરતજ તેની દેરાણીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ભારતીબેન અને દેરાણીએ પર્સ તેમજ બેંગને શોધવા માટે ફાંફા મારતા હતા, પરંતુ તે મળી નહીં આવતા અંતે વિપુલને જાણ કરી હતી. વિપુલે દાગીના તેમજ રોકડ ભરેલી બેગ ચોરી થઇ હોવાનું અનુમાન લગાવતા પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને તપાસ કરી હતી અને અંતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પુત્રવધુને આપવાના દાગીના તેમજ રોકડની ચોરી થતાની સાથે વિપુલ પટેલ અને તેમનો પરિવાર ઉદાસ થઇ ગયો હતો. જોકે, દીકરાની સગાઇ હોવાથી તેમને મન મક્કમ રાખ્યુ હતું. વિપુલ પટેલે દીકરા સ્મિતની સગાઇ હસ્તા મોઢે કર્યા બાદ અંતે ગુનો દાખલ કરાવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો, http://સી પ્લેનના ‘બાળમરણ’ બાદ હવે અમદાવાદના રિવરફ્રન્ટ અને કચ્છમાં એર ટેક્સી ઉડાન ભરશે