Ahmedabad plane crash: અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી, બહેનના મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારની વહારે આવી

તાજેતરમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મરણ જનારના ડીએનએ સેમ્પલ મેચ થતા, પાર્થિવ શરીર પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિ. કોર્પો., વહીવટી તંત્ર, સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
આ ઘટનામાં ઘણા ફેમિલીના બે અથવા વધારે સભ્યોના મૃત્યુ થયેલા હોય, તેઓના ડીએનએ વારા ફરતી આવતા હોય, સગા સંબંધીઓને અંતિમ વિધિ એક કરતા વધારે વખત કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય, ત્યારે સગાંસંબંધીઓ વિસામણમાં પડી જાય છે. સુરત જિલ્લાના કામરેજ, ઊંભેલ ખાતે રહેતા રીંકેશ પટેલ અને કેનીલ પટેલના બહેન વિભૂતિબેન અતુલકુમાર પટેલ ઉવ. 25 અને બનેવી હાર્દિક દેવરાજભાઈ અવૈયા પટેલ ઉવ. 27નું પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા અકસ્માતમાં મૃત્યું થયું છે. તેઓ પૈકી પહેલા હાર્દિક દેવરાજભાઈ અવૈયા પટેલના ડીએનએ મેચ થતા, તેમના ભાઈ રાજેશભાઈ દેવરાજભાઈ અવૈયાને પાર્થિવ શરીર સોંપવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ, એક જ કુટુંબમાં બે મૃત્યું થયા હોવાથી, અલગ અલગ વિધિ કરવાની જગ્યાએ બન્નેના પાર્થિવ શરીર સાથે મળે તો એક સાથે અંતિમ વિધિ થઈ શકે, તે માટે પરિવોરજનો રાહ જોઈ રહ્યા હતા. પરંતુ થાકીને બનેવીના અંતિમ સંસ્કાર કરી, બહેનના મૃતદેહ માટે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા કોઈ ધ્યાન દેતા નહીં હોવાની રજૂઆત અને ચિંતા સાથે થાકી ગયા હતા.

અંતે વિભૂતિબેનના ભાઈ કેનિલ પટેલ અને રીંકેશ પટેલ ચિંતાતુર અને ખિન્ન હૃદયે બંદોબસ્તમાં રહેલ ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને મળતા, ડીસીપી જાડેજા, એસીપી કૃણાલ દેસાઈ તથા શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા, તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.વી. ગોહિલ, પીએસઆઈ ભરતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી હતી. તેમજ એફએસએલ ડીએનએ રિપોર્ટ આવતા વાર લાગતી હોવાથી, જે ટેકનિકલ બાબત હોય, જ્યારે ડીએનએ મેચ થઇને આવશે ત્યારે તરત જ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને મૃતદેહ સોંપવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ સમજાવ્યા હતા. બાદમાં ડીએનએ રિપોર્ટ મેચ થઈ આવી જતા તેઓને જાણ કરી બેનના પાર્થિવ શરીર મળે તે માટે પોલીસ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી મૃતદેહ સોંપવાની વ્યવસ્થા કરી આપી હતી.

બેનના પાર્થિવ શરીર અમદાવાદ શહેર પોલીસ તથા વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે મળતા મૃતક વિભૂતિબેન પટેલના પરિવારજનોએ અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવ વાહી દ્રશ્યો સર્જાયા હતા. અંતિમ વિધિ પત્યા બાદ પણ વિભૂતિબેન પટેલના ભાઈએ ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને ટેલિફોન કરીને પોતાના બહેનની અંતિમ વિધિ પૂરી થઈ ગયા હોવાની જાણ કરેલ અને પોલીસ આવી પણ હોય છે, એનો એહસાસ થયો હતો તેમજ ફરીથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો, બોલ્ડ લૂકમાં સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાયરલ