અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદના નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ સુલભ અને સુવિધાજનક બનાવવાના ઉદ્દેશ્ય સાથે, આજે અમદાવાદ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી RTO કચેરીનું ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂપિયા 62 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ નવીન કચેરીમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વહીવટી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવી છે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી વ્યવસ્થાથી વાહન ચાલકો અને અરજદારોને જૂની કચેરીના ધક્કા અને લાંબી લાઈનોમાંથી કાયમી મુક્તિ મળશે.
આ નવી RTO કચેરીની સૌથી મોટી વિશેષતા તેની ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ છે, જેના કારણે હવે કોઈપણ અરજદારે પોતાના કામ માટે અલગ-અલગ બારીઓ પર ભટકવું નહીં પડે. એક જ જગ્યાએથી તમામ દસ્તાવેજી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કચેરીના પ્રવેશદ્વાર પર જ મુલાકાતીઓ માટે વિશાળ અને આધુનિક સેન્ટ્રલાઇઝ્ડ એસી (AC) વેટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ઉનાળાની આકરી ગરમી કે અન્ય ઋતુઓમાં પણ લોકો આરામદાયક વાતાવરણમાં બેસીને પોતાની વારીની પ્રતીક્ષા કરી શકે.મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સરકારી કચેરીઓને ડિજિટલ અને લોકાભિમુખ બનાવવા માટે કટિબદ્ધ છે. આ કચેરી માત્ર એક ઇમારત નથી પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અને એજન્ટ મુક્ત વહીવટની દિશામાં એક મોટું કદમ છે. નવી કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને અન્ય સેવાઓ પણ હાઇટેક સ્તરે ઉપલબ્ધ કરાવાઈ છે, જે અમદાવાદના સ્માર્ટ સિટીના વિઝનને વધુ મજબૂત બનાવે છે.