હું બધી જરૂરિયાત પૂરી કરીશ’, લગ્નની લાલચ આપી મહિલા કોન્સ્ટેબલ પાસે 17 લાખ પડાવ્યા, ધર્માંતરણનું દબાણ કરી અનેકવાર દુષ્કર્મ આચર્યું!

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ સાથે છેતરપિંડી, દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન માટે દબાણનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટણના રહેવાસી અને પહેલેથી જ પરિણીત એવા માજીદખાન ચૌહાણ નામના શખ્સે પોતે કુંવારો હોવાનું કહી મહિલા પોલીસકર્મીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ શેરબજારમાં રોકાણના બહાને લાખો રૂપિયા પડાવી, લગ્નની ખોટી લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની મુલાકાત તેમની સાથે કામ કરતા એક SRP જવાન દ્વારા પાટણના કુંભરમઢના મુલ્લાવાડ ખાતે રહેતા માજીદખાન ચૌહાણ સાથે થઈ હતી. આરોપીએ પોતે શેરબજારમાં ટ્રેડિંગ કરતો હોવાનું અને અનેક પોલીસ કર્મચારીઓના નાણાં રોક્યા હોવાનો દાવો કરી મહિલાને રોકાણ કરવા લલચાવી હતી. શરૂઆતમાં એપ ડાઉનલોડ કરાવી 6 લાખ રૂપિયા રોકાવ્યા હતાત્યારબાદ મહિલાએ ક્રેડિટ કાર્ડ અને બેંકમાંથી લોન લઈને ટુકડે-ટુકડે કુલ 17 લાખ રૂપિયા આરોપીને આપી દીધા હતા.
આરોપી માજીદખાને મહિલાને ‘તું મારી ગર્લફ્રેન્ડ બની જા, હું તારી બધી જરૂરિયાત પૂરી કરી દઈશ’ કહીને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતે કુંવારો હોવાનું કહી બંને લગ્ન કરી વિદેશ જતા રહીશું તેવા ધોળા દિવસે સપના પણ બતાવ્યા હતા. એક દિવસ એસ.જી. હાઈવે પર કોફી પીવડાવવાના બહાને લઈ જઈને અવાવરું જગ્યાએ કારમાં અને ત્યારબાદ મહિલાના ઘરે લગ્નની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આરોપી માજીદખાન સતત મહિલા કોન્સ્ટેબલને નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતો હતો. આ સિવાય, તેણે ધર્મ પરિવર્તન કરાવવા માટે પણ માનસિક ટોર્ચર શરૂ કર્યું હતું. તે અવાર નવાર કહેતો કે, ‘તારો હિન્દુ ધર્મ છોડી દે, અમારો મુસ્લિમ ધર્મ પવિત્ર છે. તમારા હિન્દુ ધર્મમાં સ્ત્રીઓનું સન્માન હોતું નથી.’ આમ કહીને તે ઇસ્લામ સ્વીકારવા માટે બળજબરી કરતો હતો.
એક દિવસ જ્યારે મહિલા મેટ્રો સ્ટેશન પર ફરજ બજાવતી હતી ત્યારે આરોપીએ તેને બહાર ફરવા આવવા કહ્યું. મહિલાએ ડ્યૂટી પર હોવાથી ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ‘તુમ હિન્દુ લોગ એસે હી હોતે હો’ કહીને જાતિવિષયક અપશબ્દો બોલી તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો. બાદમાં માફી માંગી તે 15 દિવસ માટે દિલ્હી જવાનું કહીને ગુમ થઈ ગયો હતો. આરોપી લાંબા સમય સુધી ફોન ન ઉપાડતો હોવાથી મહિલાએ પાટણ જઈને તપાસ કરી, જ્યાં તેને મોટો આંચકો લાગ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે માજીદખાન પહેલેથી જ પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે.
પોતાની સાથે થયેલા આ ગંભીર વિશ્વાસઘાત અને આર્થિક તથા શારીરિક શોષણ અંગે જાણ થતાં અંતે મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી માજીદખાન ચૌહાણ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.