અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત

થોડા સમય અગાઉ બ્લડપ્રેશરની નકલી દવા નિકાર્ડિયા કાર્ડિયા બજારમાં પકડાઈ હતી. હવે ખેંચની બીમારી માટે વપરાતી અત્યંત મહત્વની દવા લેવેરા-500 પણ નકલી વેચાતી હોવાનું સામે આવ્યું છે. લખનઉના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચલાવેલી સઘન તપાસમાં આ મોટા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેના સીધા તાર અમદાવાદ સુધી જોડાયેલા છે. આ ગંભીર કૌભાંડમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એક જાણીતી ફર્મના સંચાલક અને લખનઉના બે મોટા દવા વિક્રેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કૌભાંડમાં મુખ્યત્વે ત્રણ લોકોનાં નામ ખૂલ્યાં છે. અમદાવાદના એલિસબ્રિજમાં વોલ સ્ટ્રીટ-2 ખાતે આવેલી મેસર્સ ક્યોરપાથ ઇન્ટરનેશનલના સંચાલક બ્રજેશ પટેલ, લખનઉના અમીનાબાદમાં શ્રી ક્રિષ્ના ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ચલાવતા આશિષ શર્મા અને જે.એન.કે. માર્કેટમાં વિનોદ ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સના સંચાલક મનીષ શર્માની સીધી સંડોવણી બહાર આવી છે. આ ત્રણેય ઈસમો વિરુદ્ધ દવામાં ભેળસેળ કરવી, નકલી દવાનું વેચાણ, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવા અંગેની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નફાની લાલચ અને કુરિયર મારફતે દવાની હેરાફેરી

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, લેવેરા-500 દવામાં સામાન્ય રીતે 10 ટકા જેટલું માર્જિન હોય છે. આમ છતાં, લખનઉની એજન્સીએ 18.5 ટકાના ઊંચા માર્જિન સાથે 3200 સ્ટ્રીપ અમદાવાદ કુરિયર મારફતે મોકલાવી હતી. ક્યોરપાથના સંચાલક બ્રજેશ પટેલે બજારમાં 14 ટકા નફા સાથે આ માલનું વેચાણ કર્યું હતું. જોકે, પાછળથી આ દવા નકલી હોવાની ગંધ આવી જતાં તેમણે 1300 દવાની સ્ટ્રીપ કુરિયર દ્વારા પરત લખનઉ મોકલી આપી હતી. જ્યારે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ટીમે અમીનાબાદની શ્રી ક્રિષ્ના ફાર્મા પર દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી અમદાવાદથી પરત આવેલી આ લેવેરા-500 ની બેચ મળી આવી હતી. સરકારી લેબોરેટરીમાં તપાસ કરાવતાં આ દવા સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળી) સાબિત થઈ હતી.

હિસાબી ચોપડામાં 43 હજાર નકલી સ્ટ્રીપનો ગોટાળો

સમગ્ર કૌભાંડનો સૌથી મોટો ખુલાસો વિનોદ ફાર્માના લેજર (હિસાબી ચોપડા) ની તપાસ દરમિયાન થયો હતો. તેમના ચોપડામાં દર્શાવવામાં આવ્યું હતું કે, તેમણે મૂળ કંપની ઇન્ટાસના કેરી એન્ડ ફોરવર્ડિંગ એજન્ટ પાસેથી 49481 સ્ટ્રીપ ખરીદી હતી અને તેમાંથી શ્રી ક્રિષ્ના ફાર્માને 73680 સ્ટ્રીપ વેચી હતી. પરંતુ જ્યારે ઇન્ટાસ કંપનીના સત્તાવાર રેકોર્ડની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમણે 22 ઇન્વોઇસ દ્વારા વિનોદ ફાર્માને માત્ર 30200 સ્ટ્રીપ જ વેચી હતી. આ આંકડાકીય વિસંગતતાએ 43480 સ્ટ્રીપના ખરીદી સ્ત્રોત પર મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો.

વધુ તપાસમાં ખુલ્યું કે વિનોદ ફાર્માસ્યુટિકલ્સના સંચાલક મનીષ શર્માએ મૂળ કંપની ઇન્ટાસ પાસેથી ઓછી ખરીદી કરી હતી અને પોતાના જ સગા ભાઈ આશિષ શર્માની પેઢીને 43 હજારથી વધુ નકલી સ્ટ્રીપ્સ ગેરકાયદેસર રીતે સપ્લાય કરી દીધી હતી. આ કૌભાંડ આચરવા માટે અન્ય શહેરોની એજન્સીઓના નામે બનેલા બોગસ બિલોના આધારે સ્ટોક ચોપડે ચઢાવી લેવામાં આવ્યો હતો. ખેંચ જેવી ગંભીર બીમારીમાં દર્દીઓ આ નકલી દવા લે તો તેમને ગંભીર આડઅસર થવાનું અને જીવનું મોટું જોખમ રહેલું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *