દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી

દિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝેરી હવાની ગંભીર સ્થિતિ સર્જાતાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયો છે, જેમાં હેબતપુર, શાંતિગ્રામ, સોલા અને થલતેજ જેવા ચાર વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી જતાં હવા અત્યંત ખરાબ શ્રેણીમાં મૂકાઈ ગઈ છે.
અમદાવાદ શહેરના નાગરિકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે કારણ કે શહેરનું વાતાવરણ ચિંતાજનક સ્તરે પ્રદૂષિત થઈ ચૂક્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરના ચાર મુખ્ય વિસ્તારો હેબતપુર, શાંતિગ્રામ, સોલા અને થલતેજમાં પ્રદૂષણની માત્રામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ મોનિટરિંગ આંકડા અનુસાર આ વિસ્તારોમાં AQI 200નો આંકડો વટાવી ગયો છે. શહેરનો સરેરાશ AQI 180 નોંધાવા છતાં રાત્રિ દરમિયાન થનારી આતશબાજી અને પટાકડાના ધુમાડાને કારણે વાયુ પ્રદૂષણ હજુ પણ વધુ ભયજનક સ્તરે વધવાની ચિંતાજનક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝેરી હવાની વધતી માત્રા શહેરીજનોના શ્વાસ અને આરોગ્ય માટે મોટો ખતરો ઊભો કરી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ એડવાઈઝરી બહાર પાડવામાં આવે અને સ્થાનિક પ્રશાસન પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે.