Ahmedabad: સિવિલ હોસ્પિટલને મળ્યું 10મું સ્કિન ડોનેશન, ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથું સ્કીન ડોનેશન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦મું સ્કિન ડોનેશન થયું છે. ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. આ અંગે સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ જણાવ્યું હતું કે, તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૨ કલાકે સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ૯૭ વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવ્યો હતો. કોલ આવતા તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી.
આ સાથે તારીખ ૧૮.૦૩.૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ માં દાખલ એક દર્દી ને સ્કીન બેંકમાં આ રીતે મળેલ ત્વચા નો ઉપયોગ કરી તેના ઘા ની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી. ડૉ.. સચદેએ વધુમાં જણાવ્યું હતું કે, દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે. દાઝ્યા બાદ શરુઆતના સમયમાં થતા શરીરમાંથી પ્રોટીન વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશન ને અટકાવી શકાય છે.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૧૦ મું સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ ૪થુ સ્કીન દાન છે. અંગદાનની જેમ સ્કીન ડોનેશન માટે લોકોમાં હજુ વધારે જાગૃતિ લાવવાની જરુર છે.
94282 65875 નંબર પર કોલ કરીને કોઇપણ વ્યક્તિ સ્કીન ડોનેશન માટે સંપર્ક કરી શકે છે.