ચાઈનીઝ વાયરસ HMPVએ શેર બજારના શ્વાસ કર્યા અધ્ધર, સેન્સેક્સમાં મોટો કડાકો

ટ્રેડિંગ સપ્તાહનો પ્રથમ દિવસ લીલા રંગમાં શરૂ થયો હતો. પરંતુ બજાર બંધ થતાં સુધીમાં તે બ્લડબાથમાં ફેરવાઇ ગયું હતું. શેરબજારમાં અચાનક મોટા ઘટાડાથી રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે. બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ. 8 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1258.12 (1.58 ટકા) ઘટ્યો જ્યારે NSE નિફ્ટી 388.70 (1.61 ટકા) ઘટ્યો. નિફટી 388 પોઈન્ટ ઘટીને 23,616.05 પર જ્યારે સેન્સેક્સ 1258 પોઈન્ટ ઘટીને 77,964.99 પર છે.
શેરબજારમાં અચાનક આવેલા ઘટાડાની અસર અદાણી ગ્રુપથી લઈને ટાટા ગ્રુપ પર પડી હતી. આ ઘટાડા વચ્ચે ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. તે 3.62% પડ્યા પછી રૂ. 133.30 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ અને એશિયન પેન્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો, ઇન્ફોસિસ અને ટાઇટન કંપનીના શેરમાં વધારો નોંધાયો હતો.હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના ત્રણ કેસ, જે ચીનમાંથી ઉદ્ભવ્યા છે, ભારતમાં મળી આવ્યા છે. ભારતની સાથે સાથે એશિયાના ઘણા દેશોને આશંકા છે કે કોરોના વાયરસ જેવી લોકડાઉનની સ્થિતિ ફરી આવી શકે છે. આવી સ્થિતિમાં, આ HMPV વાયરસ પણ બજારને અસર કરી રહ્યો છે.