ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા

 ભારત અને વિયેતનામ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનો કરાર ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. મની કંન્ટ્રોલના રિપોર્ટ અનુસાર, સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આશરે 5,800 કરોડ રૂપિયાના આ કરારને આગામી અઠવાડિયે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની ત્રણ દિવસની ભારત મુલાકાત દરમિયાન અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ તો લામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 5 થી 7 મે દરમિયાન ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ લામ સાથે ઘણા વિયેતનામના મંત્રીઓ અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ છે, જેઓ મુંબઈમાં આર્થિક કરારો પર ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન વિયેતનામનું પ્રતિનિધિમંડળ બોધ ગયાની પણ મુલાકાત લેશે. આ મુલાકાત ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના એક દાયકા પૂર્ણ થવાની યાદમાં ઉજવવામાં આવે છે, જેનો શિલાન્યાસ 2016માં પીએમ મોદીની વિયેતનામ મુલાકાત દરમિયાન કરવામાં આવ્યો હતો.

તો લામ વિયેતનામના કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને રાષ્ટ્રપતિ બંને પદો ધરાવે છે. તેઓ દાયકાઓમાં વિયેતનામના સૌથી પ્રભાવશાળી નેતા બન્યા છે. આ મહિને રાષ્ટ્રપતિ બન્યા પછી લામની ભારત મુલાકાત દર્શાવે છે કે હનોઈ નવી દિલ્હીને તેની સુરક્ષા જરૂરિયાતો માટે કેટલું મહત્વપૂર્ણ માને છે.

પ્રસ્તાવિત સોદામાં બ્રહ્મોસ મિસાઇલનું એન્ટી શીપ વર્ઝન સામેલ છે. આ દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેતનામની સંરક્ષણ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. ભારત અને વિયેતનામ વચ્ચેના અસંખ્ય સંરક્ષણ કરારો પછી બ્રહ્મોસ સોદો બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગને નવા સ્તરે લઈ જશે. રશિયાએ બ્રહ્મોસ મિસાઇલના આ નિકાસને મંજૂરી આપી છે. બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *