કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડ ફરી વિવાદમાં! CG રોડ પર અકસ્માત સર્જી મારામારી કરી

અમદાવાદમાં નારણપુરાના ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતો 22 વર્ષીય યુવાન જય દિનેશભાઈ દેસાઈ પોતાની કાર લઈને નવરંગપુરા સીજી રોડ પર આવેલા ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી રોંગ સાઇડમાં એક મોંઘીદાટ લક્ઝુરિયસ કાર પૂરઝડપે આવી અને જય દેસાઈની ગાડી સાથે અથડાઈ ગઈ હતી પોતાની ભૂલ હોવા છતાં કારમાંથી એક શખ્સ ઉતર્યો અને જય દેસાઈ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી. આ શખ્સે જય દેસાઈ ને લાફા અને ફેંટો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અકસ્માત કરી દાદાગીરી કરનાર આ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ અમદાવાદ ના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો વિવાદાસ્પદ પૌત્ર આદિત્યસિંહ રાઠોડ હતો.
આ નબીરાની સમગ્ર ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી આદિત્યસિંહ રાઠોડની ગાડી કબજે કરી તેની અટકાયત કરી હતી. આદિત્ય રાઠોડ વારંવાર ચર્ચામાં આવતો હોવાથી અને તેના બેફામ વર્તનને ડામવા માટે નવરંગપુરા પોલીસે આ વખતે આકરી કાર્યવાહી કરી. પોલીસે આદિત્ય રાઠોડ ને કાયદાનું ભાન કરાવવા માટે સીજી રોડ ખાતે આવેલા ગિરીશ કોલ્ડ્રીંક્સ નજીક ઘટનાસ્થળે લાવવામાં આવ્યો અને જાહેરમાં તેનું પંચનામું કરી પોલીસનો પરચો બતાવ્યો હતો અને કાયદા નું ભાન પણ કરાવ્યું હતું.
આદિત્યસિંહ રાઠોડનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો અને ગંભીર છે. અગાઉ આ જ આરોપીએ લો ગાર્ડન પાસે આવેલી GLS કોલેજ બહાર વિદ્યાર્થીઓને ધમકી આપીને હથિયારથી થાર ગાડીમાં તોડફોડ કરી હતી. રાજકોટમાં પણ મોંઘી ગાડીમાં સ્ટંટ કરી હથિયાર પ્રદર્શન કરતો તેનો વિડીયો વાયરલ થયો હતો જેના પર ગુનો નોંધાયો હતો. એટલું જ નહીં, સગીર વયે શાહીબાગમાં પૂરઝડપે કાર ચલાવીને તેણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ પણ લઈ લીધો હતો. આટલા ગંભીર ગુનાઓ નોંધાયા હોવા છતાં, પોલીસ દ્વારા કોઈ ઉદાહરણરૂપ કાર્યવાહી ન થતી હોવાથી સગીર વયથી જ આદિત્ય રાઠોડ સતત નવા-નવા ગુનાઓને અંજામ આપી રહ્યો છે.
નવરંગપુરા પોલીસે બુટલેગરના પૌત્ર હોવાનો રુઆબ રાખતો આદિત્ય રાઠોડ નું ઘટનાસ્થળે પંચનામું કરીને નવરંગપુરા પોલીસે આવા નબીરાઓ ને એક કડક સંદેશ તો આપ્યો છે. પરંતુ સવાલ એ છે કે અગાઉના ગુનાઓમાં જેમ છૂટી ગયો એમ આ નબીરો શું આ કેસમાં જેલના સળિયા પાછળ રહેશે ખરો? કે પછી ફરી કાયદા ની આંટીઘૂંટી માંથી રસ્તો શોધી ને કોઈ મોટા ગુનાને અંજામ આપવા બહાર આવશે.