અમદાવાદમાં ધોળા દિવસે થયો ખૂની ખેલ, અજાણ્યા હુમલાખોરે યુવકને ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થયાની ઘટના સામે આવી છે. એક શખ્સને ધારદાર હથિયારના ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને પગલે કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને મૃતક શખ્સનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે.
અમદાવાદના કાલુપુર અને લાલદરવાજાને જોડતા સૌથી વ્યસ્ત એવા રિલીફ રોડ પર બનાવ બન્યો છે. ભીડભાડવાળા જાહેર રસ્તા પર જ એક વ્યક્તિ પર અજાણ્યા હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધોળા દિવસે થયેલા આ ખૂની ખેલને પગલે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક જયશંકર મદ્રાસી હાટકેશ્વરનો હતો રહેવાસી
આ ઘટના અંગે કારંજ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યા મુજબ, ‘આજે લગભગ સાડા પાંચની આસપાસ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રિલીફ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે, જેની જાણ થતાં જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરણ જનાર વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તે હાટકેશ્વરના પોખરા વિસ્તારનો રહેવાસી છે. કોઈ ઈસમે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેનું મૃત્યુ નીપજાવ્યું હોવાની હકીકત અમને જાણવા મળી હતી.’
‘ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે આરોપીની શોધખોળ માટે તાત્કાલિક ટીમો બનાવી હતી, જેમાં તપાસ દરમિયાન અમને સાકિબ સલીમ શેખ નામના 26 વર્ષીય શંકાસ્પદ આરોપી વિશે માહિતી મળી, જે વટવાનો રહેવાસી છે. અમારી ટીમે તપાસ કરીને તેને શોધી કાઢ્યો છે અને હાલમાં તેને હસ્તગત કરી લીધો છે, અને તેની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ પૈસાની લેતી-દેતી હોવાનું સામે આવ્યું છે. હાલમાં અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ રવાના કર્યો છે, અને હવે અમે વિધિવત ફરિયાદ દાખલ કરીને આરોપીની અટકાયત કરીશું તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.’