અમદાવાદ પ્લેન ક્રેશના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો સામે… થયા અનેક ખુલાસા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો.

ટેકઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું, “શું તમે એન્જિન બંધ કરી દીધું છે?” બીજાએ જવાબ આપ્યો, “ના.”

12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. 270 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.

તપાસમાં શું બહાર આવ્યું, જાણો સવાલ-જવાબ ફોર્મેટમાં…

સવાલ: હવામાં શું થયું હતું?

જવાબ: રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા – ઇંધણ કટઓફ સ્વીચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં RUN થી CUTOFF માં બદલાઈ ગયા. રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો.

સવાલ: પાઇલોટોએ શું વાતચીત કરી?

જવાબ: કોકપિટ ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં એક પાઇલટે પૂછ્યું, “તમે કેમ બંધ (એન્જિન) કર્યા?” બીજાએ ઉત્તર આપ્યો, “મેં નથી કર્યા.”

સવાલ: શું એન્જિન ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ થયો?

જવાબ: પાઇલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. N1 અથવા એન્જિન 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું, પરંતુ એન્જિન 2 ક્રેશ થાય તે પહેલાં સ્ટાર્ટ ન થઈ શક્યું. વિમાન માત્ર 32 સેકન્ડ માટે હવામાં રહ્યું હતું.

સવાલ: શું ફ્યુઅલમાં કોઈ સમસ્યા હતી?

જવાબ: ફ્યુઅલ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે ઇંધણમાં કોઈ પ્રકારની કોઈ સમસ્યા નહોતી. થ્રસ્ટ લીવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું છે કે ટેકઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ હતો, જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે.

સવાલ: શું બર્ડ હિટિંગની કોઈ સમસ્યા હતી?

જવાબ: ફ્લેપ સેટિંગ (5 ડિગ્રી) અને ગિયર (નીચે) ઉડાન ભરવા માટે સામાન્ય હતા. બર્ડ હિટિંગ કે હવામાન સંબંધિત કોઈ સમસ્યા નહોતી.

સવાલ: અકસ્માતના સમયે હવામાન કેવું હતું?

જવાબ: આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હતું. વિઝિબિલિટી પણ બરાબર હતી. આંધી-તોફાન જેવી પણ કોઈ સ્થિતિ નહોતી.

સવાલ: શું પાઇલટ મેડિકલી ફિટ હતા?

જવાબ: બંને પાઇલટ મેડિકલી ફિટ હતા. તેમને કોઈ પ્રકારની કોઈ સમસ્યા નહોતી. પાઇલટ પાસે 8,200 કલાક અને કો-પાઇલટ પાસે 1,100 કલાકની ઉડાનનો અનુભવ હતો.

સવાલ: શું તપાસ દરમિયાન એરલાઇન કંપનીને કોઈ સલાહ આપવામાં આવી હતી?

જવાબ: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક પ્રારંભિક તપાસ છે અને તે હજુ પણ ચાલુ છે. હાલમાં, બોઇંગ એરક્રાફ્ટ કંપની અથવા એન્જિન ઉત્પાદક જનરલ ઇલેક્ટ્રિક (GE) ને કોઈ સલાહ આપવામાં આવી રહી નથી.

રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે એન્જિન બંધ થતાં જ રેમ એર ટર્બાઇન (RAT) ખૂલી ગયું. આ એક નાનું પ્રોપેલર જેવું ડિવાઇસ હોય છે. તે હવાની ગતિથી ફરે છે અને વીજળી અને/અથવા હાઇડ્રોલિક પાવર ઉત્પન્ન કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વિમાનનો મેઇન પાવર કપાઈ જાય અથવા હાઇડ્રોલિક સિસ્ટમ ફેઇલ થઈ જાય. RAT વિમાનને ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદ કરે છે.

ફ્લાઇટ રડાર 24 મુજબ, વિમાનનો છેલ્લો સિગ્નલ 190 મીટર (625 ફીટ)ની ઊંચાઈ પર મળ્યો હતો, જે ઉડાન ભર્યા પછી તરત જ આવ્યો હતો. ભારતના સિવિલ એવિએશન રેગ્યુલેટર DGCA એ જણાવ્યું કે વિમાને 12 જૂનની બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી વિમાનના પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કૉલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો હતો, પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો નહોતો.

યુએસ એવિએશન વેબસાઇટ ધ એર કંટ્રોલના અહેવાલ મુજબ બ્લેક બોક્સમાંથી મળેલા પ્રારંભિક ડેટામાં બંને એન્જિનની ફ્યૂઅલ સ્વિચોની હિલચાલનો ખુલાસો થયો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હિલચાલ પાઇલટની ભૂલ, ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ કારણસર થઈ હતી.

અમેરિકન ઉડ્ડયન સુરક્ષા નિષ્ણાત જોન કોક્સના મતે, આ સ્વિચ એટલી સેન્સિટિવ હોતી નથી કે એ આકસ્મિક સ્પર્શથી ટ્રિગર થઈ શકે. એ ફક્ત જમીન પર જ ચાલુ/બંધ થાય છે.

ડ્રીમલાઇનર એરક્રાફ્ટનાં બંને એન્જિનમાં રન અને કટ-ઓફ નામની બે સ્થિતિ હોય છે. જો એરક્રાફ્ટ હવામાં હોય અને સ્વિચ કટ-ઓફ પર જાય તો એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ જાય છે, જેના કારણે પાવર (થ્રસ્ટ) ગુમાવવો પડે છે અને પાવર સપ્લાય પણ બંધ થઈ શકે છે, જેના કારણે કોકપીટમાં રહેલાં ઘણાં સાધનો પણ કામ કરવાનું બંધ કરી શકે છે.

ઉડ્ડયન નિષ્ણાત કેપ્ટન રાકેશ રાયના મતે, ‘કોઈપણ પાઇલટ વિમાનમાં આવીને ફ્યૂઅલ સ્વિચ સાથે રમતા નથી. જો આવું થયું હોય તો ચોક્કસ કોઈ ટેક્નિકલ સમસ્યા હશે.’

કેપ્ટન રાયે બોઇંગની માનક પ્રક્રિયા (SOP)નો ઉલ્લેખ કર્યો, જે જણાવે છે કે ડ્યૂઅલ એન્જિન નિષ્ફળતાના કિસ્સામાં પાઇલટે તાત્કાલિક પ્રતિક્રિયા આપવી પડે છે અને બંને સ્વિચો ચાલુ અને બંધ કરીને “EEC”ને ફરીથી સેટ કરવી પડે છે. આને “વિન્ડમિલ સ્ટાર્ટ” કહેવામાં આવે છે, જે એન્જિનને ફરીથી શરૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *