મહેસુલ તંત્રને વધુ સશક્ત બનાવવાની દિશામાં મોટું પગલું :વર્ગ-૩ના કર્મચારીઓ માટે રાજ્યવ્યાપી રેવન્યુ રિફ્રેશર તાલીમનો પ્રારંભ

મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર તથા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મહેસુલ વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ માટે રેવન્યુ રિફ્રેશર તાલીમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સ્પીપા, ગાંધીનગર કેમ્પસ ખાતે ૩૬ કર્મચારીઓ તેમજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે ૨૯ કર્મચારીઓ માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
વધુમાં, તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી પ્રાદેશિક તાલીમ કેન્દ્ર વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે આ રેવન્યુ રિફ્રેશર તાલીમ માટે વધારાના તાલીમ વર્ગોની શરૂઆત કરવામાં આવશે, જેથી રાજ્યના વધુ કર્મચારીઓ આ તાલીમનો લાભ લઈ શકે. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ દરમિયાન મહેસુલ વિભાગના વર્ગ-૩ના કુલ ૬૬૫ કર્મચારીઓને પાંચ દિવસીય વ્યાપક અને કાર્યલક્ષી તાલીમ આપવામાં આવશે.
રેવન્યુ રીફ્રેશર તાલીમના પ્રથમ તબક્કામાં મહેસુલ વિભાગ દ્વારા તાલીમમાં રસ ધરવતા અને પોતાના સ્થાન પર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અંદાજિત ૧૧૨ જેટલા નાયબ કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા મહેસુલી વિષયોનું ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા અનુભવી અધિકારીઓની સ્પીપા અમદાવાદ ખાતે તાલીમ યોજી તેઓને કી રીસોર્સ પર્સન બનાવવામાં આવેલ છે જેઓ રાજ્યભરમાં કર્મચારીઓને તાલીમ આપશે.

તાલીમ કાર્યક્રમમાં જમીન મહેસુલ કાયદા અને નિયમો, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, પુરવઠા વિષયક કામગીરી, ચૂંટણી સંબંધિત કામગીરી, પ્રોટોકોલ વિષયક બાબતો, મેજિસ્ટ્રેટીયલ કામગીરી, ઈ-ગવર્નન્સ, વિવિધ સરકારી પોર્ટલ્સ અંગેની માહિતી તેમજ સેવાકીય અને નાણાકીય વિષયો અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમથી કર્મચારીઓની કાનૂની સમજ, પ્રશાસકીય ક્ષમતા તથા નાગરિકલક્ષી સેવા કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
ઉલ્લેખનીય છે કે ચિંતન શિબિરમાં વખતો વખત થયેલી ચર્ચાઓના તથા મળેલ ભલામણોના અનુસંધાને મહેસુલ વિભાગની કામગીરીને વધુ અસરકારક, પારદર્શક અને જનહિતલક્ષી બનાવવા માટે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી જયંતિ રવિ (આઇ.એ.એસ.) તથા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના મહાનિદેશકશ્રી હારીત શુક્લા (આઇ.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
આ તાલીમ કાર્યક્રમથી રાજ્યના મહેસુલ તંત્રની કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.