Gandhinagar નર્મદા કેનાલ પાસે યુવકની હત્યા કરનાર સાયકો કિલર ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ પરમારની ધરપકડ કરી

Gandhinagar અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
નોંધાયેલ ફરિયાદ અનુસાર, અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના મિત્ર વૈભવ શંકર મનવાણી (ઉં.25) સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગઈ હતી તે દરમ્યાન લૂંટ અને હુમલાનો બનાવ બન્યો હતો. મિત્ર વૈભવના જન્મદિવસની ઉજવણી માટે યુવતી અમદાવાદના સિંધુભવન રોડ પર ગઈ હતી. ત્યાંથી અન્ય બે મિત્રોને ઉતારીને યુવતી અને વૈભવ તપોવન સર્કલ પાસે મેટ્રોના કેબલ બ્રિજ નજીક સર્વિસ રોડ પરની નર્મદા કેનાલની બાજુમાં વાતચીત કરી રહ્યા હતાં.
રાત્રિના સવા એક વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ કાર પાસે આવ્યો અને પાછળનો દરવાજો ખોલીને પૈસા અને દાગીનાની માંગણી કરી હતી. જેનો વૈભવે પ્રતિકાર કરતા લૂંટારાએ છરી વડે તેના પર ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. વૈભવને બચાવવા વચ્ચે પડેલી યુવતીને પણ ત્રણ જેટલા ઘા વાગ્યા હતા. આ હુમલાથી ગભરાઈને યુવતીએ પોતાનો અને વૈભવનો મોબાઈલ, ઘડિયાળ, પર્સ અને ઈમિટેશન જ્વેલરી સહિત 52 હજારનો મુદ્દામાલ લૂંટારાને આપી દીધો હતું. લૂંટારો વૈભવની સ્કોડા કાર લઈને ભાગી ગયો, પરંતુ થોડે દૂર કાર બંધ થઈ જતાં તેને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો.
જોકે ઘટનાસ્થળ નિર્જન હોવાથી કોઈ મદદ મળી નહોતી.ત્રણ જગ્યાએ છરીના ઘા વાગવા છતાં ઈજાગ્રસ્ત યુવતી અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર આવી હતી. જ્યાં પસાર થતા એક દંપતીની મદદથી પોતાના પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. હાલ લૂંટ અને મર્ડરના શંકાસ્પદ આરોપીને શોધવા માટે પોલીસે દહેગામના અહમદપુરા અને નાંદોલ વિસ્તારમાં પાસેનો કોર્ડન કરી ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહતા. જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન નહોતા થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે, અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
તેની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનુ નામ લગ્ન માટે નોંધાવ્યું હતું. જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો.