Ahmedabad plane crash: ફિલ્મ ડાયરેક્ટર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત કન્ફર્મ, DNA મેચ થતા પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

અમદાવાદ શહેર ખાતે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશના બનાવ બન્યો ત્યાર પછી નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા ઉવ. 34, કે જેઓ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર હતા, તેઓ પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થઈ ગયા હતા. તેઓના ભાઈ કાર્તિકભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા દ્વારા તેમના ગુમ થવા બાબતની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. આ બાબતે નરોડા પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ આધારે ગુમ થનાર મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયેલ હોવાની વિગતો મળી હતી. જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા જતા, તેના પરિવારજનોને જણાવતા, તેના પરિવારજનો આ વાત માનવા તૈયાર થયા ન હતા.
અમદાવાદ શહેરના સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી, DNA લેવા જરૂરી હોવાની સમજણ આપી, શંકા દૂર કરવા પણ DNA ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા, મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના DNA નમૂના લેવડાવવામાં આવ્યા હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાત્રી હતી. પરંતુ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા DNA ટેસ્ટનો રિપોર્ટ આવતા, આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ મૃતદેહ સાથે DNA નમૂના મેચ થયા હતા. જેથી પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.

ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા અને કૌશિકભાઇના DNA સેમ્પલ પ્લેન ક્રેશની જગ્યાએથી મળી આવેલા મૃતદેહ સાથે મેચ થયા હોવાથી મહેશભાઈનું મૃત્યુ પ્લેન ક્રેશ સમયે થયું હોવાનું જણાવ્યું હતું. મહેશભાઈના પત્ની હેતલબેન તથા પરિવારજનો આ વાત કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર નહોતા અને પોતાને પૂરી ખાત્રી થશે પછી જ મૃતદેહ સંભાળવા પોલીસને જણાવી દીધું હતું.
તપાસમાં રહેી પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી, શાહીબાગ પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થનાર મહેશભાઈ એકટીવા મોટર સાયકલ લઈને ગયેલા હોવાથી, તેને સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી એકટીવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી કાઢ્યું હતું. તેમ છતાં, પરિવારજનોનું દિલ પોતાના સ્વજન મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર ના હોવાથી, તેઓ દ્વારા એકટીવા મળે અને બધું વેરીફાઈ થાય પછી જ મૃતદેહ સ્વીકારવાનું જણાવ્યું હતું.

વધુમાં, અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી, સળગી ગયેલા વાહનો બાબતે મેઘાણીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા, બનાવવાળી જગ્યાએ એક એકટીવા સળગી ગયેલ હાલતમાં મળી આવ્યું હતું, જેના એન્જિન અને ચેસીસ નંબર આધારે ચેક કરવામાં આવતા, આ વાહન મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ એકટીવા અંગે પરિવારજનોને જણાવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશભાઈ જીરાવાલાના પાર્થિવ દેહનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પોતાની તમામ રજૂઆત અને શંકા બાબતે જીણવટભરી તપાસ કરી દૂધનું દૂધ સાબિત કરનાર અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો, Gujarat: ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, કર્યા ફરજિયાત નિવૃત