Gandhinagar: વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 બિલ પસાર કરાયું

વિધાનસભા ગૃહ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૫ બિલ રજૂ કર્યું હતું. આ સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે.
તેમણે જણાવ્યું કે જે-તે સમયે કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી હોય તેવી કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકનાં બાંધકામો કરવામાં આવ્યાં હતાં. જેનું યોગ્ય અવેજ આપીને મકાનો ખરીદવામાં આવ્યાં અને રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત હતી.
તેમણે ઉમેર્યું કે આ કાયદા મુજબ ગણોત ધારાની કલમ-૪૩, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનો ઉપર સરકારની પૂર્વમંજૂરી વગર ગેરકાયદે થયેલા બાંધકામવાળી મિલકતોને પૂરક સેટલમેન્ટ તરીકે મહેસૂલી રેકર્ડ પર લાવવા તથા આ મિલકતોના હિતધારકોને તેમની મિલકત કે જે લાંબા સમયગાળાની હોય (૨૦૦૫ પહેલાંની) તેવી મિલકતના હક્કો આપી શકાય તેવા આશયથી આ કાયદો ૨૦૧૭માં લાવવામાં આવ્યો હતો. હાલ આ કાયદાનો લાભ ગણોત ધારા-૧૯૪૮ની કલમ-૪૩, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનોમાં આવેલી મિલકતોને જ લાભ મળે છે, પરંતુ આ બિલનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય તેવા આશયથી કાયદામાં સુધારા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આ કાયદામાં સમય પ્રમાણે કેટલાક સુધારા લાવવા જરૂરી જણાતા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ના પ્રકરણ-૯(ક)ની કલમ-૧૨૫(છ)(૧)ની જોગવાઈને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સુધારા બિલ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, પ્રવર્તમાન કાયદાની કલમ-૧૨૫ (છ)(૧)માં સુધારો કરીને કલમ-૧૨૫ (છ)(૧)(૧), કલમ-૧૨૫ (છ)(૧)(૨) અને કલમ-૧૨૫ (છ)(૧)(૩) ઉમેરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું કે, આ સુધારો કરવાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ હેઠળની સોસાયટીઓને, જ્યાં ગણોતધારાની કલમ ૮૪ (ગ) અથવા કલમ-૧૨૨ હેઠળની કાર્યવાહી ચાલુ હોય, આ કાયદાથી નિયત થયેલ માંડવાળ ફી તેમજ પ્રીમિયમની રકમ તથા અન્ય સરકારી લેણાંની રકમની ભરપાઇ કર્યેથી પરિવર્તનીય વિસ્તાર જાહેર કરી શકાશે જેથી લોકોની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકાશે જેનાં પરિણામે સામન્ય પ્રજાજનોને બેન્કો પાસેથી સરળતાથી લોન મળી શકશે.
તેમણે જણાવ્યું કે આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરી કે મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ? તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણે તેમાં રક્ષણ મળશે. બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિનપરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે રક્ષણ મળશે. બિનપરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાના કારણે તેમાં એક મહેસૂલી રેકર્ડમાં એટલે કે પ્રોપર્ટીકાર્ડ મળવાથી સલામતી મળશે.
આ પણ વા્ંચો, Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું