SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ

શહેરના SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાંથી વાહનચાલકોને મોટી રાહત મળવાની છે. ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના 4.03 કિલોમીટર લાંબા નવનિર્મિત એલિવેટેડ કોરિડોરનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. કોરિડોર શરૂ થતાં દરરોજ પસાર થતા અંદાજે 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. ખાસ કરીને YMCA, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંક્શન પર વાહનચાલકોનો સમય બચશે. આ પ્રોજેક્ટથી SG હાઈવે પર વાહનવ્યવહાર વધુ સરળ બનવાની અપેક્ષા છે. એલિવેટેડ કોરિડોર શરૂ થવાથી અમદાવાદના આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટવાની આશા છે. ખાસ કરીને ગાંધીનગરથી અમદાવાદ થઈને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને અવરજવરમાં રાહત મળવાની શક્યતા છે.વાહનચાલકોનો સમય બચવાની સાથે ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થવાની અપેક્ષા છે.
ત્યારબાદ અમિત શાહ જોધપુર ખાતે નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ કોરિડોરની વિશેષતા તેની ‘ઊંધો ટી’ ડિઝાઇન છે. એટલે કે આખો બ્રિજ સિંગલ પિલરો પર ઊભો કરાયો છે, જેના લીધે બ્રિજની નીચે બંને બાજુનો રસ્તો એકદમ ખુલ્લો અને પહોળો મળશે. કોરિડોર ખુલ્લો મુકાતા રોજ અહીંથી પસાર થતા 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે. ખાસ તો વાહનચાલકોએ વાયએમસીએ, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. આ કાર્યક્રમો બાદ રાણીપ ડી-માર્ટ સામેના પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે અને જાહેર સભાને સંબોધશે.