જૂનાગઢમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા

જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોડી સાંજે મોટી કાર્યવાહી કરી હતી. ચોરવાડમાં ચાલતા હોવાના આક્ષેપવાળા જુગારધામ પર SMCની ટીમે દરોડો પાડી 42થી વધુ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન રોકડ રકમ, 11 બાઈક અને એક ફોરવ્હીલર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ દરોડા દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી રૂ. 3,72,000ની રોકડ રકમ, 11 બાઇક અને 1 ફોર-વીલર વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ચોરવાડમાં છેલ્લા બે દિવસથી જુગારધામના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો વચ્ચે SMCની ટીમે મોડી સાંજે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

ચોરવાડ એ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું ગામ છે. તેમના ગામમાં જ SMCની મોટી કાર્યવાહી થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જુગારધામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું હતું અને સ્થાનિક સ્તરે તેની સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

SMCની ટીમે ચોરવાડ પોલીસને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરી હોવાની માહિતી છે. દરોડા દરમિયાન 42થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ત્રણ પાર્ટનર મળીને આ જુગારધામ ચલાવતા હોવાની માહિતી પણ સામે આવી છે.

SMCની રેડના સમાચાર ફેલાતાં જિલ્લામાં ચાલતા અન્ય જુગારધામોમાં પણ ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે. કેટલાક સ્થળોએ સંચાલકોએ તાત્કાલિક જુગારધામ બંધ કરી દીધા હોવાની માહિતી મળી રહી છે. હાલ ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે. SMCની સમગ્ર કાર્યવાહી બાદ વધુ વિગતો સત્તાવાર રીતે સામે આવવાની શક્યતા છે.

નોંધનિય છે કે, આ જુગારધામ પર રેડ પાડી તે પહેલા આ વિસ્તારમાં ચાલતા જુગારધામના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા હતા. જોકે, હવે એસએમસીએ રેડ પાડી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *