ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત

રાજ્યમાં આવેલાં પ્રાચીન, પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન સ્થળોના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર સતત સંકલ્પબદ્ધ રહીને આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ પ્રવાસન અને યાત્રાધામ ક્ષેત્રે માળખાકીય પરિવર્તન લાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. આ વિકાસયાત્રાને નવી ગતિ આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા 10 મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે કરોડો રૂપિયાના મહત્વકાંક્ષી વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાતભરમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે.

  • અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ (જિ. રાજકોટ): રાજકોટ જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા અનલગઢ કિલ્લા પરિસર અને મહાકાળી મંદિર વિસ્તારના આધુનિકીકરણ તથા નવનિર્માણ અર્થે રૂ. 5.06 કરોડની વહીવટી સ્વીકૃતિ આપવામાં આવી છે.
  • મહીસાગર નદી ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા): વડોદરાના સાવલી તાલુકા સ્થિત ભાદરવાના ચેહર માતા મંદિર પાસે ભક્તોની સગવડ માટે સુંદર ઘાટ, વોક-વે, પેવર બ્લોક, સુરક્ષા રેલિંગ અને સુશોભિત લેન્ડસ્કેપિંગ તૈયાર કરવા રૂ. 3.31 કરોડ મંજૂર કરાયા છે.
  • ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ): કચ્છના ઐતિહાસિક અંજાર ખાતે પ્રવાસનને નવું આકર્ષણ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 12.98 કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધરાશે.
  • શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), ઉમરેચા (જિ. મહેસાણા): સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે ભક્તોની સુરક્ષા હેતુ હાઈ માસ્ટ લાઈટ, સ્ટ્રીટ લાઈટ્સ, અદ્યતન વાયરિંગ, ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. 50 લાખની રકમ ફાળવાઈ છે.
  • શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ): આ પૌરાણિક મંદિરના પ્રથમ માળ અને છતનું સમારકામ, પ્લાસ્ટરિંગ, રંગકામ, ફ્લોરિંગ અને છતના પતરાં સહિતના નવીનીકરણ માટે રૂ. 18.91 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.
  • શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી): પ્રસિદ્ધ તીર્થધામ ઉનાઈ ખાતે આવેલા શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, ભવ્ય પ્રવેશદ્વાર, કલ્ચરલ હોલ, ભોજનાલય, સુરક્ષા દીવાલ અને ગ્રંથાલય (લાયબ્રેરી) સહિતના સર્વગ્રાહી નિર્માણ માટે રૂ. 5.03 કરોડ મંજૂર થયા છે.
  • શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ): બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આસ્થાના કેન્દ્ર સમાન શ્રી જોધલપીર મંદિર પરિસરના ભવ્ય નવનિર્માણ અને પ્રવાસી સુવિધાઓ ઊભી કરવા રૂ. 21.75 કરોડનું મોટું ભંડોળ સ્વીકૃત કરાયું છે.
  • શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર): પલ્લી મેળા માટે વિશ્વવિખ્યાત રૂપાલ ખાતે વરદાયિની માતાજી પરિસરને યાત્રાળુઓ માટે અતિઆધુનિક બનાવવાના હેતુથી રૂ. 35 કરોડના વ્યાપક વિકાસ પ્રોજેક્ટને બહાલી મળી છે.
  • શ્રી વાળીનાથ મહાદેવ મંદિર સોલાર પ્રોજેક્ટ, તરભ (જિ. મહેસાણા): વિસનગરના તરભ સ્થિત વાળીનાથ ધામને હરિત ઊર્જાથી સજ્જ કરવા 100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વિદ્યુતીકરણ માટે રૂ. 2.68 કરોડ મંજૂર કરાયા છે.
  • આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ: ગીર અને તેની આસપાસના સમૃદ્ધ કુદરતી પ્રદેશમાં પ્રવાસનને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે રૂ. 46.91 કરોડના તોતિંગ ખર્ચે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.
  • આ તમામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થતાં યાત્રાળુઓની મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી અને અર્થતંત્રને પણ અભૂતપૂર્વ બળ પૂરું પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *