ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે નિધન થયું હતું. 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે મોડી રાત્રે 87 વર્ષની વયે નિધન થયું છે. દિગ્ગજ સંગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસની વિદાયથી સમગ્ર કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી.ગૌરાંગ વ્યાસનું અવસાન માત્ર એક કલાકારની વિદાય નથી, પરંતુ ગુજરાતી સંગીતની એક એવી પેઢીની વિદાય છે, જેણે ગીતને માત્ર મનોરંજન નહીં, પરંતુ ગુજરાતની લાગણી, લોકસંસ્કૃતિ અને જીવન સાથે જોડાયેલું માધ્યમ બનાવ્યું.

24 નવેમ્બર 1938ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ પ્રાપ્ત થયો હતો. માત્ર પાંચ વર્ષની બાળવયે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડીને સંગીત યાત્રા શરૂ કરનાર તેમણે શરૂઆતમાં સંગીતને વ્યવસાય બનાવવાનું વિચાર્યું નહોતું. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી મુંબઈમાં નોકરી શરૂ કરી હતી. જોકે, સંગીત પ્રત્યેના લગાવ અને આંતરિક સૂર આગળ એન્જિનિયરિંગની નોકરી ગૌણ બની ગઈ અને તેમણે પોતાનું જીવન સંગીતને સમર્પિત કરી દીધું.

ફિલ્મ સંગીતમાં પ્રયોગશીલતા અને દિગ્ગજ ગાયકોનો સંગમ

પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે જોડાયા બાદ તેમણે ‘લાખો ફૂલાણી’ ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં કેતન મહેતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ ‘ભવની ભવાઈ’ (1981), ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ સહિતની ફિલ્મોમાં તેમના સંગીતની છાપ જોવા મળે છે.  તેમના સંગીતના કેટલાક આલ્બમોમાં ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’ અને ‘નોન સ્ટોપ ડાંડીયા-રાસ’નો સમાવેશ થાય છે.

ગૌરાંગ વ્યાસની સંગીતયાત્રાની વિશેષતા એ પણ હતી કે તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં દેશના અનેક દિગ્ગજ ગાયકોના અવાજનો સુંદર ઉપયોગ કર્યો. લતા મંગેશકરના કંઠે ગવાયેલું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ આજે પણ ગુજરાતી શ્રોતાઓના હૃદયમાં વસેલું છે. આ ગીતને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કર્યું હતું. તેમણે આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભુપિન્દર જેવા જાણીતા ગાયકો પાસેથી પણ ગુજરાતી ગીતો ગવડાવ્યાં. ‘લાખો ફૂલાણી’માં તેમણે કિશોર કુમારના અવાજનો પણ ઉપયોગ કર્યો હતો અને આ જ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને પહેલી વખત તક આપી, ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો…’ જેવી રચના ગુજરાતી સંગીતપ્રેમીઓને આપી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *