અમદાવાદમાં હથિયારબંધીનું નવું જાહેરનામું: આ 35 વિસ્તારોમાં તલવાર-છરી પર પ્રતિબંધ, જાણો કયા 14 વિસ્તારોને રખાયા છે બાકાત

 અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને ગંભીર ગુનાઓને ડામવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હથિયારબંધી અંગેનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિશેષ બાબત એ છે કે આ જાહેરનામું સમગ્ર અમદાવાદ શહેરમાં લાગુ કરવાને બદલે માત્ર ચોક્કસ 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જ અમલમાં મુકવામાં આવ્યું છે. 18 ઓગસ્ટ 2026 થી 1 સપ્ટેમ્બર 2026 સુધી જાહેરનામાના અમલવારીનો સમયગાળો છે. જેમાં તલવાર, છરી, ચપ્પા, લોખંડની પાઈપ અને પથ્થરો સહિતના ઘાતક હથિયારો જેવી પ્રતિબંધિત વસ્તુઓ કરાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ શખ્સ સામે પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધીને સખત કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા તલવાર, છરી, ગુપ્તી અને લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલા કરી ખૂન, ખૂનની કોશિષ તેમજ મહાવ્યથાના ગંભીર ગુનાઓને અંજામ આપવાની ઘટનાઓ સામે આવી છે. આવા ગેરકાયદેસર હથિયારો થકી થતા શરીર સંબંધિત ગંભીર ગુનાઓને અટકાવવા, શહેરમાં ભયમુક્ત વાતાવરણ ઉભું કરવા, લોકોના જાનમાલનું રક્ષણ કરવા અને જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ (૧) અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શું છે પ્રતિબંધિત?
જાહેરનામા અનુસાર તલવાર, ભાલા, બંદૂક, ખંજર કે અઢી ઈંચથી વધારે લાંબુ અને અણીવાળું પાનું ધરાવતા રામપુરી ચપ્પા સાથે રાખી ફરવા પર પ્રતિબંધ. લાયસન્સ ધરાવતા હથિયારોને પણ જાહેર જગ્યાએ, સામાજિક મેળાવડામાં કે ધાર્મિક સરઘસમાં લઈ જવા પર અને હવામાં ફાયરિંગ કરવા પર રોક. કોઈપણ પ્રકારના શરીરને નુકસાન પહોંચાડે તેવા કે સ્ફોટક પદાર્થો સાથે રાખવા. પથ્થર કે ફેંકવાના અન્ય સાધનો/યંત્રો એકઠા કરવા અથવા તૈયાર કરવા. સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા, કોઈ વ્યક્તિના શબ અથવા પૂતળા દેખાડવા પર પ્રતિબંધ. જાહેર શાંતિ કે પ્રતિષ્ઠાનો ભંગ થાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવા, ચાળા પાડવા, ચિત્રો કે નિશાનીઓ તૈયાર કરી તેનો ફેલાવો કરવો.

કયા 35 વિસ્તારોમાં જાહેરનામું લાગુ પડશે?
અમદાવાદ શહેરના નીચે મુજબના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હથિયારબંધી લાગુ રહેશે. જેમાં સોલા, ઘાટલોડીયા, નારણપુરા, વાડજ, શાહપુર, કારંજ, સાબરમતી, માધવપુરા, ચાંદખેડા, રાણીપ, કાલુપુર, ખાડીયા, શહેરકોટડા, ગાયકવાડ હવેલી, સરદારનગર, મેઘાણીનગર, નરોડા, દરિયાપુર, શાહીબાગ, કૃષ્ણનગર, અમરાઇવાડી, ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, નારોલ, કાગડાપીઠ, ઇસનપુર, દાણીલીમડા, સરખેજ, વેજલપુર, ઓઢવ, નિકોલ, વટવા, વટવા જી.આઇ.ડી.સી. અને રામોલનો સમાવેશ થાય છે.

કયા 14 વિસ્તારોને બાકાત રખાયા છે?
શહેરના પોશ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય 14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ નિયમ લાગુ પડશે નહીં. જેમાં સિંધુભવન રોડ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોડકદેવ, જજીસ બંગ્લોઝ, પાલડી અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર (અને અન્ય 7 વિસ્તારો)નો સમાવેશ થાય છે.

આ જાહેરનામામાંથી જેઓ સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય અને જેમના ઉપરી અધિકારીઓએ ફરજના ભાગરૂપે હથિયાર સાથે રાખવા આદેશ કર્યો હોય. જે સરકારી કર્મચારીઓને પોતાની ફરજના ભાગરૂપે પ્રતિબંધિત હથિયારો (જેમ કે સંગીન વગેરે) સાથે રાખવા અનિવાર્ય હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *