ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

રાજ્યના સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડાં અટકાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની તર્જ પર લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે સમગ્ર ગુજરાતમાં એનાલોગ (કૃત્રિમ) પનીરના ઉત્પાદન અને તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આજકાલ આપણા રોજિંદા ખોરાકમાં પનીર, ચીઝ અને બટરનો વપરાશ ખૂબ વધી ગયો છે, પરંતુ બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ ખરેખર શુદ્ધ છે કે કેમ તે એક સળગતો સવાલ હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે રાજ્યમાં માત્ર એનાલોગ પનીર જ નહીં, પરંતુ એનાલોગ ચીઝ પર પણ કડક પ્રતિબંધ રહેશે. આટલું જ નહીં, ફૂડ સેફ્ટીના યોગ્ય ધારાધોરણો (સ્ટાન્ડર્ડ્સ) જાળવ્યા વગર બનાવવામાં આવતા અને વેચાતા પનીર, ચીઝ અને બટર પર પણ સરકારે સદંતર રોક લગાવી દીધી છે.

સરકારનો આ પ્રતિબંધનો આદેશ માત્ર કાગળ પૂરતો સીમિત નહીં રહે તેવો પણ દાવો કરાયો છે. ભવિષ્યમાં જો કોઈ પણ જગ્યાએ ભેળસેળયુક્ત, ધારાધોરણ વગરનું કે એનાલોગ પનીર તેમજ ચીઝનું ઉત્પાદન થતું ઝડપાશે, તો તેવા ઉત્પાદકો સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, બજારમાં આવું નકલી પનીર અને ચીઝ ખુલ્લેઆમ વેચનારા વેપારીઓ વિરુદ્ધ પણ દંડાત્મક પગલાં લેવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે રમત રમનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *