ગુજરાતમાં એક પછી એક જિલ્લામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ વાયરસ! 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સંભાળજો, અનેક મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ આ જીવલેણ વાયરસની એન્ટ્રી થતાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક 3 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. વડોદરા શહેરનો આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા જ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે અને આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.

મળતી માહિતી મુજબ, શંકાસ્પદ લક્ષણો ધરાવતા આ 3 વર્ષના માસૂમ બાળકને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી જીએમઇઆરએસ (GMERS) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેની સઘન સારવાર કરી રહી છે. આ ચાંદીપુરા વાયરસ જ છે કે કેમ તેની સચોટ પુષ્ટિ કરવા માટે બાળકના લોહીના સેમ્પલ લઈને તેને તાત્કાલિક પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (NIV) અને ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે અત્યંત જોખમી અને જાનલેવા સાબિત થઈ શકે છે. આ વાયરસ સીધો મગજ પર અસર કરે છે, જેને કારણે બાળકમાં તીવ્ર તાવ, ઊલટી, ઝાડા અને ખેંચ જેવા લક્ષણો જોવા મળે છે. કેસની ગંભીરતાને જોતાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ભાયલી અને તેની આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ અને ફોગિંગની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય (રેત માખી) માખી માટીના કાચા મકાનો કે તિરાડોમાં વધુ જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરો અને પશુઓ પર થતી ઇતરડીના કરડવાથી પણ આ વાયરસ ફેલાવવાનું જોખમ રહે છે. બાળકોમાં અચાનક તીવ્ર તાવ આવે, ઉલટી થાય કે બેભાન જેવી સ્થિતિ જણાય તો તેને સામાન્ય તાવ ન ગણી તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ કે ડૉક્ટરનો સંપર્ક કરવો. ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી અને મચ્છરો તેમજ માખીઓનો ઉપદ્રવ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું.

મુખ્ય લક્ષણો (જેના પર ખાસ નજર રાખવી)
આ વાયરસ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મગજ પર સીધો હુમલો કરે છે. જો બાળકમાં આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય, તો તેને સામાન્ય તાવ ન ગણવો..

  • અચાનક ખૂબ જ તીવ્ર તાવ આવવો
  • સતત ઉલ્ટી અને ઝાડા થવા
  • ચક્કર આવવા, બેભાન થવું કે માનસિક અસંતુલન જણાવાવુ
  • શરીરમાં ખેંચ (આંચકી) આવવી

વાયરસ ફેલાવાના કારણો અને બચાવના ઉપાયો
આ વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતીની માખી), મચ્છર અને પશુઓ પર થતી ઇતરડી (Ticks) કરડવાથી ફેલાય છે. આ માખીઓ માટીના કાચા મકાનો, દિવાલોની તિરાડો અને ભેજવાળી જગ્યાએ વધુ જોવા મળે છે.

બચાવ માટે શું કરવું?

પશુઓની આસપાસ સફાઈ: જો ઘરમાં કે આસપાસ પશુઓ હોય, તો ત્યાં ઇતરડીના નાશ માટે દવાઓનો છંટકાવ કરો.

ઘરની સફાઈ: ઘરની આસપાસ કાદવ-કિચડ કે પાણી જમા ન થવા દો. દિવાલોની તિરાડો પૂરી દો.

પૂરા કપડાં પહેરાવો: બાળકોને બને ત્યાં સુધી આખી બાયના કપડાં પહેરાવો જેથી માખી કે મચ્છર કરડવાનો ભય ન રહે.

મચ્છરદાનીનો ઉપયોગ: રાત્રે કે સૂતી વખતે મચ્છરદાની અને મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ આગ્રહપૂર્વક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *