ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ, જુઓ ક્યાં અને કેમ?

દિલ્હી જંતરમંતરથી સોનમ વાંગચુકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શૈક્ષણિક વ્યવસ્થામાં પારદર્શિતા અને NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ સામે વિરોધ નોંધાવી રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને 20 દિવસની ભૂખ હડતાળ બાદ દિલ્હી પોલીસે હોસ્પિટલમાં ખસેડ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પણ સમેટવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
નોંધનિય છે કે, સોનમ વાંગચુક 28 જૂનથી જંતર-મંતર પર અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી. તેમનો આરોપ છે કે, NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓએ લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ હચમચાવી દીધો છે.
મહત્વનું છે કે, હોસ્પિટલમાં ખસેડાયા તે પહેલાં વાંગચુકે એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે, લાંબી ભૂખ હડતાળના કારણે તેમના શરીરના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને શરીર પર તેની અસર પણ દેખાઈ રહી છે. તેમ છતાં તેમણે પોતાના મનોબળને મજબૂત ગણાવી દેશના લોકોને આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.
આ સાથે તેમણે 20 જુલાઈના રોજ યોજાનારા ‘ચલો સંસદ’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ પણ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ એટલી જ ગંભીરતાથી જવાબદારી નક્કી થવી જોઈએ જેટલી અન્ય જાહેર મુદ્દાઓ પર થાય છે.