સોનમ વાંગચુકના ઉપવાસનો 20 મો દિવસ, ડોક્ટરોએ આપી ‘ઓર્ગન ફેલ્યોર’ની ચેતવણી

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે છેલ્લા ૨૦ દિવસથી ભૂખ હડતાળ (Hunger Strike) પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની (Sonam Wangchuk) તબિયત લથડતાં સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. નીટ (NEET) પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે તેઓ ૨૮ જૂનથી અન્નનો ત્યાગ કરીને આંદોલન ચલાવી રહ્યા છે. ડોક્ટરોએ સત્તાવાર ચેતવણી (Medical Alert) આપતાં જણાવ્યું છે કે, જો આ સ્થિતિ વધુ સમય ચાલુ રહેશે તો તેમના મહત્વના અંગો કામ કરતાં બંધ થઈ શકે છે (Organ Failure). બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) પણ આ મામલે હસ્તક્ષેપ કરીને વાંગચુકના સ્વાસ્થ્યની નિયમિત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મંચ પરથી ચાલી રહેલા આ આંદોલન અંગે પક્ષના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું કે, લાંબા ઉપવાસના કારણે વાંગચુકનું શરીર બેહદ નબળું પડી ગયું છે અને તેઓ સરખી રીતે ચાલી પણ શકતા નથી. તેમની સારવાર કરી રહેલા ડોક્ટર સતીશ લાંબાના જણાવ્યા અનુસાર, ભૂખ હડતાળ દરમિયાન સોનમ વાંગચુકનું વજન ૯ કિલો જેટલું ઘટી ગયું છે અને હવે તેમનું વજન માત્ર ૫૬.૯ કિલોગ્રામ રહ્યું છે. શરીરમાં ગ્લુકોઝ અને ફેટ (Fat) ખતમ થવાના કારણે હવે સ્નાયુઓ (Musles) ઓગળવા લાગ્યા છે. તેમના શરીરમાં યુરિક એસિડનું (Uric Acid) પ્રમાણ પણ જોખમી સ્તરે વધી ગયું છે, જે ઓર્ગન ફેલ્યોર તરફ દોરી જઈ શકે છે.
વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે તંત્રને આદેશ આપ્યો છે કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યનું રોજિંદી ધોરણે મેડિકલ ચેકઅપ (Daily Monitoring) કરવામાં આવે અને જરૂર પડે તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈપણ નાગરિકનો જીવ કિંમતી છે અને સરકાર તેને બચાવવા માટે જરૂરી પગલાં ભરે. કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (Solicitor General) તુષાર મહેતાએ પણ કોર્ટની આ વાત સાથે સહમતિ દર્શાવી હતી.
ડોક્ટરોની આવી ગંભીર ચેતવણીઓ છતાં સોનમ વાંગચુક લડત પાછી ખેંચવા તૈયાર નથી. તેમણે એક વીડિયો મેસેજ (Video Message) જાહેર કરીને જણાવ્યું કે, હજારો લોકો તેમને ઉપવાસ તોડવાની વિનંતી કરી રહ્યા છે, પરંતુ પેપર લીકના કારણે જીવ ગુમાવનારા ૨૦ નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે તેમનું સ્વાસ્થ્ય મોટું નથી. જોકે, લોકોની લાગણીને માન આપીને તેમણે એક વચલો રસ્તો (Middle Path) કાઢ્યો છે. તેમણે ૨૦ જુલાઈએ પ્રસ્તાવિત સંસદ માર્ચને (Parliament March) સફળ બનાવવા જનતાને અપીલ કરી છે. તેમણે શરત મૂકી છે કે જો દેશની જનતા અને ખાસ કરીને માતાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈને આંદોલનને સફળ બનાવશે, તો તેઓ પોતાના ઉપવાસ સંતોષપૂર્વક સમાપ્ત કરી દેશે.
સોનમ વાંગચુકના આ આંદોલનને દેશભરમાંથી વ્યાપક સમર્થન (Support) મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પહોંચીને તેમની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર સરકાર પાસે તેમની માંગણીઓ સ્વીકારવાની અપીલ કરી હતી. આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા આમિર ખાન, સંગીતકાર વિશાલ દદલાની, અભિનેત્રી સોનાક્ષી સિંહા, લેખિકા શોભા ડે અને રાજ ઠાકરે સહિતની જાણીતી હસ્તીઓએ પણ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને (SCBA) પણ પત્ર લખીને તેમને ઉપવાસ ખતમ કરવા વિનંતી કરી છે. હાલમાં સોનમ વાંગચુકનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral) થઈ રહ્યો છે.